Western Times News

Gujarati News

આવો ઓળખીએ ધનેશ્વરી માતાનો ડુંગરને, જે ભોમિયા વગર ભમાય તેવો નથી

જાંબુઘોડાના જંગલમાં ડુંગરની ટોચે માતાજીનું સ્થાનકઃ

સાદરાના જંગલ અને કડા ડેમ વચ્ચે દિવાલનું કામ કરતો આ ડુંગર વનસ્પતિ વૈવિધ્યથી ભરપૂર છે અને તેની ટોચ પરથી છેક વીસ કિલોમીટર દૂરનું તરગોળ તળાવ જાેઈ શકાય છે

(માહિતી) વડોદરા, ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા એવું આપણા એક અગ્ર કવિએ કીધું છે કિંતુ જાંબુઘોડા અભયારણ્યના સાદરા ના જંગલને અડીને આવેલો અને જમીન તળ થી માંડ ૩૩૦ મીટર કે એક હજાર ફૂટની ઊંચાઈ ધરાવતો ડુંગર ભોમિયા વગર ભમાય તેવો નથી.

ધનેશ્વરી માતાનો ડુંગર તરીકે તેની ઓળખ છે કારણ કે પાસેના ધનપરી ગામના આરાધ્ય દેવી માતા ધનેશ્વરીનું તેની ટોચ પર થાનક છે. આ ડુંગર કડા ડેમ અને સાદરાના હર્યાભર્યા જંગલો વચ્ચે આડી દીવાલ રચે છે જે અહીં આવતા કુદરત પ્રેમી પ્રવાસીઓને પર્વત ચઢાણ જેવી સાહસિક પ્રવૃત્તિ કરવાની સુંદર તક આપે છે.

જાે કે ડુંગર પર ચઢવા માટે માત્ર કેડી છે અને તે પણ ખરેલા પાંદડા અને અડાબીડ ઉગેલા વૃક્ષોને લીધે ચોખ્ખી દેખાતી નથી. એટલે પાસેના ધનપરી ગામના ગમિરભાઈ નાયક કે જશુભાઇ રાઠવા જેવા ભોમિયાને સાથે રાખીને આ ડુંગર પર ચઢવું હિતાવહ છે.

આમ તો ખૂબ સાવચેતી રાખી ચઢવું પડે અને લાંબા શ્વાસ લેવાની આદત ના હોય તે થાકી જાય, એકવાર તો અર્ધે થી પાછા ફરવાનું મન થઇ જાય એવી કસોટી આ ડુંગર કરે છે પણ જાે વારસામાં પર્વત ચઢાણ ના સંસ્કારો મળ્યા હોય તો પાંચ વર્ષની ત્વીશા સિકેનીસ પણ થાક્યા વગર સડસડાટ ચઢી શકે છે.

ધનપરી ઇકો ટુરિઝમ મંડળીના સચિવ મનહરભાઈને આગોતરી જાણ કરો તો આ ભોમિયાઓની સેવા મળી જાય છે. ડુંગરની ટોચ પરથી ચારે તરફ પથરાયેલી પ્રકૃતિને મનભરીને માણી શકાય છે. અહીં થી અંદાજે ૨૦ કિલોમીટર દૂર આવેલું તરગોળ તળાવો, વનરાજી, ગામો, ખેતરો બધું જ મસ્ત દેખાય છે.

પહેલા અહીં ધનેશ્વરી માતાજી પ્રતિમા રૂપે બિરાજમાન હતા એવી જાણકારી આપતાં જશુભાઇ રાઠવા કહે છે કે ખાસ કરીને આ ડુંગર ચઢવો મોટી ઉંમરના લોકો,વડીલો માટે અઘરો હોવાથી હવે તેમનું મંદિર તળેટીમાં આવેલા ધનપરીમાં બનાવ્યું છે. જાે કે ડુંગરની ટોચ પર હજુ પ્રતીકાત્મક થાનક છે.

જાંબુઘોડાના રાજવી પરિવારને માતાજીમાં ખૂબ શ્રધ્ધા છે અને ઘણાં ગામલોકો નવરાત્રિમાં થાનક ના દર્શન કરવા ઉપર ચઢે છે. બાળ અને યુવા પેઢીને હિમાલયમાં પર્વતારોહણ અને સ્થાનિક જગ્યાઓમાં ખડક ચઢાણ અને સાહસિક પરિભ્રમણ( ટ્રેકિંગ)ની પ્રેરણા અને તાલીમ આપતા સંદીપ વૈદ્ય જણાવે છે કે ટોચ પર આવેલી તોતિંગ શિલાઓ રેપ્લિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ જણાય છે.

તેમનું કહેવું છે કે વડોદરાની આસપાસ ૧૦૦ કિલોમીટર વર્તુળમાં પાવાગઢ, ચેલાવાડા,કેવડી જેવા સ્થળો પ્રકૃતિની હરિયાળી ગોદ માં વિહરવાની અને સાહસિક પ્રવૃત્તિઓમાં જાેડવાની ઉત્તમ તક આપે છે.જરૂરી સાવચેતી સાથે આ પ્રવૃત્તિઓ કરવામાં આવે અને પ્રકૃતિને જાળવીને કરવામાં આવે તે ઉચિત ગણાય.વન વિભાગે આ જગ્યાઓ એ વન કેડીઓ,પ્રવાસીઓના રોકાણ માટે ટેન્ટ નિવાસ જેવી વ્યવસ્થાઓ કરી છે.

અત્યારે પાનખર છે એટલે આખા ડુંગર પર ખરેલા પાંદડાઓ ની ચાદર પથરાઈ છે.એક જંગલી છોડવા પર મસ્ત આસમાની રંગના ફૂલો ખીલ્યાં છે અને ઠેર ઠેર ઉગેલા આ છોડ પર ખીલેલા ફૂલો વેલી ઓફ ફ્લાવર્સ ની યાદ અપાવે છે. વન્ય જીવ વિભાગ,વડોદરા નાયબ વન સંરક્ષક શ્રી આર. એલ.મીનાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી.રાઓલજી અને વન પાલો,વન રક્ષકો આ જંગલનું ઉચિત પ્રબંધન અને કાળજી લઈ રહ્યાં છે. અહીં વન્ય જીવ વિભાગમાં આગોતરું આરક્ષણ કરાવીને અને યોગ્ય પરવાનગી સાથે આવવું હિતાવહ છે. ઓનલાઇન આરક્ષણ ની સુવિધા છે.

ચેતવણીઃ આ જગ્યાઓ સેલ્ફી પોઇન્ટ નથી. કુદરતની આમન્યા જાળવીને પ્રકૃતિને માણવાની આ જગ્યાઓ એ બેદરકારી જાેખમી બની શકે છે. અહીં ધાંધલ ધમાલ જેવી પ્રવૃત્તિઓને અવકાશ નથી અને પ્લાસ્ટિક કચરાથી આ જગ્યાઓને મુક્ત રાખવાની કાળજી સૌ પાસે અપેક્ષિત છે.

ડુંગર અને આ વિસ્તારમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે

ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરા ના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા,નીલગાય,શાહુડી સહિતના વન્ય જીવો પણ છે.

ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ, ઉંભ, બિલી, વાંસ,દેવ વૃક્ષ ગણાતું કલમ,જેની લચીલી ડાળખીઓ નો ઘાસ ની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે.

આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ,ખાખરો,આલેડો,બહેડો, ઉમરો, આસિતરો, કાકડ,મોદડ,લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.

મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો,ખેરખટ્ટો, દુધરાજ,પીળક,લક્કડખોદ,ચીબરી સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારો એ નોંધી છે. તરગોળ અને કડા ના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા, પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.