Western Times News

Gujarati News

દેશભરમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે મેળવી

પ્રતિકાત્મક

નવા મ્યુટેશન–સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે-કેન્સર-રેર જિનેટીક ડિસઓર્ડર-પોપ્યુલેશન જિનેટિક્સ-સંપૂર્ણ જિનોમ વગેરે સરળતાથી કરી શકાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાઇ-થ્રુપુટ નેકસ્ટ જનરેશન સિકવન્સિંગ – Novaseq 6000નું અનાવરણ કર્યુ

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત થનારા મશીનથી સિકવન્સિંગ કેપેસિટીમાં ૯ ગણો વધારો થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં આવ્યું છે.

કોઇ પણ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ સચિવ શ્રી વિજય નહેરા ની ઉપસ્થિતીમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું.

ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRCની સ્થાપના કરવામાં આવેલી છે.

આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ૩૦ થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯પ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી.

તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે.

આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને ર૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે.

અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જોમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે.

આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે.

NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે

આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે.

આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો  ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ,  શિક્ષણવિદો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.