Western Times News

Gujarati News

પાટણ ખાતે વીર મેઘમાયા મંદિરનું રૂ. ૧૧ કરોડના માતબર ખર્ચે નિર્માણ કાર્ય પૂરજોશમાં

મહાન શહીદ વીર મેઘમાયાના બલિદાનને ઉજાગર કરતા સામાજિક સમરસતા ના  ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ અંર્તગત  પાટણ ખાતે રૂ. ૧૧ કરોડના માતબર ખર્ચે સ્મારકનું નિર્માણ કાર્ય પૂરજોશમાં હાથ ધરાઇ રહ્યું છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાની મુલાકાત દરમ્યાન નિર્માણાધિન  વીર મેઘમાયા સ્મારકના પણ દર્શન કર્યા હતા.  ગુજરાતની ઐતિહાસિક પુરાતન રાજધાની પાટણની પ્રજા, પશુ, પંખી અને પ્રકૃતિના જતન માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર મહાન શહીદ વીર મેઘમાયા મંદિર સ્મારકની  આ મુલાકાત થી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  કૃતજ્ઞતા અનુભવી હતી.

ગુજરાતના ઈતિહાસમાં અજર અમર થયેલા સામાજિક સમરસતાના પ્રતિક મહાન શહીદ વીર મેઘમાયાના ભવ્ય બલિદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આ ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે  આ ભવ્ય મંદિર અને અદ્યતન સ્મારક નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. ૧૧ કરોડના માતબર ખર્ચથી આ સ્મારકનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેની પ્રગતિની પણ મુખ્યમંત્રીશ્રીએ જાણકારી મેળવી હતી.

વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ દ્વારા મુખ્યમંત્રીશ્રીની સાકરતુલા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન અને અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી ર્ડા. કિરીટભાઇ સોલંકીએ મેઘમાયાના બલિદાનને યાદ કરી સ્મારકના વિકાસ માટે રાજ્ય સરકારના ઉદાર યોગદાનની સરાહના કરી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંતભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી નંદાજી ઠાકોર, શ્રી દશરથજી ઠાકોર સહિત પદાધિકારીઓ, કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજા, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.