Western Times News

Latest News from Gujarat India

૧૦ વર્ષ પહેલાં ગુમ વિશ્વા કેસ અંતે બંધ કરવા નિર્ણય

અમરેલી, અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી વિશ્વા ધોળા દિવસે ગુમ થઈ ત્યારે આખા શહેરમાં આ સમાચાર ખાસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા. પોતાની સોસાયટીમાંથી જ ૧૧ વર્ષની છોકરી કઈ રીતે ગુમ થાય તે સવાલ પોલીસની સાથે લગભગ દરેક અમદાવાદીને મૂંઝવણમાં મૂકી રહ્યો હતો. આ ઘટનાના ૧૦ વર્ષ બાદ પણ પોલીસ વિશ્વાની કોઈ ભાળ નથી મેળવી શકી.

હવે આ કેસ બંધ કરી રહી છે ત્યારે કદાચ વિશ્વા આખરે કઈ રીતે અને ક્યાં ગાયબ થઈ ગઈ તેનું રહસ્ય ક્યારેય નહીં ઉકેલાઈ શકે. આ કેસની તપાસ દરમિયાન પોલીસને બે અલગ-અલગ સીસીટીવી મળ્યા હતા જેમાં દેખાતી છોકરી વિશ્વા હોવાનું અનુમાન હતું પરંતુ ખરેખર પોલીસ તેમાં થાપ ખાઈ ગઈ હતી.

વિદ્યાનગર હાઈસ્કૂલમાં ધોરણ ૭માં ભણતી વિશ્વા ૨૭ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ બપોરે દોઢ વાગ્યે સોસાયટીના કોમન પ્લોટમાં યોજાયેલા એક લગ્નમાં ગયા બાદ એકાએક ગુમ થઈગઈ હતી.

સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ તેમજ સ્ટેટ પોલીસ એજન્સીએ પણ તેને શોધવાના અનેક પ્રયાસ કર્યા હતા, તેના માટે આખા દેશમાં પણ શોધખોળ કરાઈ હતી. પોલીસને અલગ-અલગ રાજ્યોમાંથી લગભગ ૩૪૦૦ જેટલા ફોન કોલ્સ પણ આવ્યા હતા, પરંતુ આ સમગ્ર કવાયતનું કોઈ પરિણામ નહોતું આવી શક્યું.

શરુઆતમાં પોલીસને લાગ્યું હતું કે મેરેજ ફંક્શનમાંથી બહાર આવતી છોકરી વિશ્વા છે. જાેકે, તેનો વિડીયો જાેતાં તેમાં દેખાતી છોકરીના કપડાં અને હેરસ્ટાઈલ અલગ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના ઘરની પાસેની એક કન્સ્ટ્રક્શન સાઈટના સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા હતા. જેમાં વિશ્વા જેવી દેખાતી એક છોકરી નજરે પડી હતી.

તેના માતાપિતાએ પણ પહેલા તો તે છોકરી વિશ્વા હોવાનું જણાવ્યું હતું પરંતુ પછી તેમણે પોતાનું નિવેદન બદલ્યું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિડીયોમાં દેખાતી છોકરી વિશ્વા નથી તેવું તેના માતાપિતાએ જણાવ્યા બાદ પોલીસ પાસે વિશ્વા સુધી પહોંચી શકાય તેવી કોઈ કડી નહોતી બચી.

૧૦ વર્ષ પહેલા ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને પોલીસની ઝાટકણી કાઢતા સીઆઈડી ક્રાઈમે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે એક સેલ બનાવ્યો હતો. તે વખતે બંધ થઈ ગયેલો વિશ્વાનો કેસ કોર્ટની દરમિયાનગીરી બાદ ૨૦૧૭માં ખોલવામાં આવ્યો હતો. કેસની તપાસ આનંદનગર પોલીસ અને સીઆઈડી ક્રાઈમની મિસિંગ સેલ ચલાવી રહ્યા હતા.

વિશ્વાને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દેશના અલગ-અલગ ૧૨૫ રેલવે સ્ટેશન પર તેના પોસ્ટર્સ લગાવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ઈન્વેસ્ટિગેશન ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિશ્વાને જાેઈ હોવાના અનેક ફોન કોલ્સ પોલીસને આવ્યા હતા. જેનું ફોલોઅપ લેવા પોલીસ અનેક રાજ્યોમાં પણ ગઈ હતી, પરંતુ તેમ છતાંય વિશ્વાને શોધી નહોતી શકાઈ.

ઉંમર સાથે વિશ્વાના દેખાવમાં થયેલા ફેરફારને દર્શાવવા પોલીસે સોફ્ટવેરની મદદ લઈને તેનો ફોટોગ્રાફ તૈયાર કર્યો હતો, જેને પણ આખા દેશમાં સર્ક્‌યુલેટ કરાયો હતો. સીઆઈડી ક્રાઈમના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેસની તપાસ આગળ વધી શકે તેવી કોઈ કડી કે પુરાવા ના મળતા આખરે સ્થાનિક પોલીસે તેને બંધ કરવાનો ર્નિણય લીધો છે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે વિશ્વાનું મોત થયું હોવાના કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ કાયદાની પરિભાષામાં હવે તેને મૃત માની લેવામાં આવી છે પરંતુ અમને આશા છે કે તે જીવતી હશે અને ક્યારેક પોતાના ઘરે પરત ફરશે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ વર્ષ સુધીની વયના ૪૫૧૫ બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી ૧૮૫૫ છોકરા અને ૨૬૬૦ છોકરી હતી. પોલીસે તેમાંથી ૨૧૩૪ બાળકોને શોધી કાઢ્યા હતા, જ્યારે ૨૩૮૧નો હજુ સુધી કોઈ અતોપતો નથી લાગ્યો.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers