Western Times News

Gujarati News

અમદાવાદના 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, તેમાંથી 54 વિદ્યાર્થીઓ પાછા ફર્યા

બાકીના વિદ્યાર્થીઓ ઝડપથી સ્વદેશ પાછા ફરશે

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા કલેક્ટરશ્રી સંદીપ સાગલે

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ આજે મુલાકાત લીધી હતી.

કલેક્ટરશ્રી સંદીપ સાગલે આજે સવારે રાણીપ વિસ્તારના શ્રી બાલકૃષ્ણ શર્માના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઇને તેમના પુત્ર શિવમ શર્મા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કલેક્ટરશ્રીએ મોટેરા વિસ્તારમાં રહેતા શ્રી હેમંતભાઇ પટેલ જેમના પત્ની તેજલબેન પણ યુદ્ધગસ્ત યુક્રેનમાં ફસાયા હતા તેમના વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી

કલેકટર શ્રી સંદીપ સાગલેએ કહ્યું કે, યુક્રેનમાં ક્રાઇસીસ ઊભી થતાં યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓના પરિવારો ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા “ઓપરેશન ગંગા” શરૂ કર્યુ છે.

કલેક્ટરશ્રી ઉમેર્યું કે જે ભારતીયો સ્વદેશ પાછા આવી રહ્યા છે તેમને જે–તે સ્થળ પરથી તેમના ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.

તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને આશ્વસ્ત કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર સંકટની આ ઘડીમાં આપની સાથે છે.

કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના કુલ 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, તેમાંથી અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓ અમદાવાદ પાછા ફર્યા છે બાકીના વિદ્યાર્થીઓ પણ ઝડપથી સ્વદેશ પાછા ફરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.