Western Times News

Gujarati News

ગઠિયાએ સુરતના વેપારીને ૧૦.૨૭ લાખનો ચૂનો લગાવ્યો

Files Photo

સુરત, સુરતના રીંગરોડ સ્થિત સાડીના વેપારીને યુપીમાં ચુંટણીમાં સાડીનો ઓર્ડર છે તેવુ કહીને ગઠીયાએ રૂ.૧૦.૨૭ લાખની સાડી ખરીદી હતી. જેના બાદ વેપારીને પેમેન્ટ આપવાના બહાને કુબેરજી પ્લાઝા માર્કેટમાં સાથે લઈ જઈ મોપેડ પાર્ક કરવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો.

આ ઘટનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા આશિષ રામચંદ્ર પ્રસાદ રીંગરોડ બેગમવાડી સ્થિત રોહિત માર્કેટમાં બજરંગ સિલ્ક મિલ્સ અને શ્રી બાલાજી સિલ્ક મિલ્સના નામે સાડીનો વેપાર કરે છે.

તેઓની પાસેથી બે ઈસમો આવ્યા હતા અને કહ્યું હતું કે, મારી રીંગરોડ કુબેરજી પ્લાઝાના ત્રીજા માળે શ્રીરામ વસ્ત્ર વિભાગ નામની સાડીની દુકાન છે. ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચારમાં સાડીઓ આપવાની છે અને ઓર્ડર મોટો છે. તેથી હું તમારી પાસેથી ૧૦ હજાર સાડી ખરીદીશ.

તેમ જણાવી ભાવતાલ કરી તે ઓર્ડર આપી ગયો હતો. ઓર્ડર પૈકીની રૂ.૧૦,૨૭,૬૮૭ ની કિંમતની ૩૪૩૫ નંગ સાડી તૈયાર હોય તે લેવા માટે રામાનંદ એક અજાણ્યા ટેમ્પો ચાલકને લઈ ગત ૧ માર્ચની બપોરે આશિષની દુકાને આવ્યો હતો. ટેમ્પોમાં સાડી ભરાવ્યા બાદ તે આશિષને પેમેન્ટ આપવા પોતાની નંબર વિનાની મોપેડ પર બેસાડી કુબેરજી પ્લાઝાના પાર્કીંગમાં લઈ ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો.

ત્યારબાદ તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો. આ બનાવને લઈને તેઓએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેસ્તાન ખાતે રહેતા રામાનંદ રામવચન ઉપાધ્યાય અને અશોક રામમિલન નિષાદને ઝડપી પાડ્યા હતા.

ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે, ‘યુપીમાં ચુંટણી છે અને ત્યાં સાડીઓનો ઓર્ડર છે. મને સાડીઓનો માલ આપો’ તેવુ કહીને ઠગે વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. સાડીઓ લઇ પૈસા આપવાના બહાને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. અમારી ટીમે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી અને ફરીયાદી ભૂતકાળમાં નાનો મોટો ધંધો સાથે કરતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.