Western Times News

Gujarati News

ઓરિસ્સાનો ઈસાક મુંડા યુ ટ્યુબથી લાખોની કમાણી કરે છે

ભુવનેશ્વર, કોરોના મહામારી અને લોકડાઉનમાં ઘણા લોકોએ જાેબ ગુમાવી તો ઘણાએ નવું કામ શરુ કર્યું. આ સમયે ઘરે રહીને અનેક લોકોની ક્રિએટિવિટી બહાર આવી. ઓરિસ્સામાં રોજ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવક હાલ યુટ્યુબથી લાખોની કમાણી કરે છે.

ઓરિસ્સાનાં સંબલપુર જીલ્લામાં રહેતો ઇસાક મુંડા યુટ્યુબ બ્લોગર છે. તે પોતાની યુટ્યુબ ચેનલમાં તેના ગામ અને સમાજનું કલ્ચર દેખાડે છે. પ્રથમ લોકડાઉનમાં ઇસાકે તેના મિત્ર પાસેથી ૩૦૦૦ રૂપિયા ઉછીના લઈને સ્માર્ટફોન લીધો હતો. હાલ તે વીડિયો જાતે બનાવીને પોસ્ટ કરે છે.

૩૫ વર્ષીય ઈસાક કોરોના મહામારી પહેલાં છૂટક મજૂરી કરતો હતો. તેને રોજની મજૂરી લેખે મહેનતાણું મળતું હતું. લોકડાઉનમાં કામ બંધ થઈ જતા તેને યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર આવ્યો.

ઇસાકે કહ્યું, વીડિયો બનાવવા માટે મેં મારા જીવનનો પ્રથમ સ્માર્ટફોન ખરીદ્યો અને આ માટે મિત્ર પાસેથી ૩૦૦૦ રૂપિયા ઉછીના લીધા. મારા પ્રથમ વીડિયોને ૪.૯૯ લાખથી વધારે લોકોએ જાેયો છે. હું ગામડાંનાં જીવન પર વીડિયો બનાવું છે. અમે લોકો કેવા ઘરમાં રહીએ છીએ, શું કામ કરીએ છીએ અને શું ખાઈએ છીએ આ બધું હું વીડિયોમાં કહું છું. મારા વીડિયો દેશના લાખો લોકો સુધી પહોંચતા હું સારી એવી કમાણી કરતો થઈ ગયો છું.

પ્રથમ વીડિયો પોસ્ટ કર્યાને ત્રણ મહિના પછી ઇસાકના બેંક અકાઉન્ટમાં ૩૭ હજાર રૂપિયા આવ્યા હતા. એ પછીના ત્રણ મહિના પછી અકાઉન્ટમાં ૫ લાખ રૂપિયા આવ્યા. અત્યાર સુધી તેણે ૨૫૦થી વધારે વીડિયો પોસ્ટ કર્યા છે. તેની ચેનલના ૭ લાખથી વધારે સબસ્ક્રાઈબર્સ છે.

યુટ્યુબ ચેનલને કમાણીનું સાધન બનાવનારા ઇસાકે કહ્યું, હું માત્ર સાત ધોરણ સુધી જ ભણ્યો છું. આથી મેં બીજા કોઈ સબ્જેક્ટને બદલે મારા ગામની લાઈફસ્ટાઈલ અને કલ્ચર પર જ વીડિયો બનાવવાનું નક્કી કર્યું હતું. મારા વીડિયોના માધ્યમથી હું દેશ-વિદેશના લોકોને અમારી સિમ્પલ જિંદગી ઝલક કરાવું છું.

ઇસાકની પત્ની સબીતાએ જણાવ્યું, એક વખત ઇસાકે અમે જે ઘરમાં રહીએ છીએ તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ઘણા લોકોએ જાેયો અને અમારી મદદ કરવા માટે આગળ પણ આવ્યા. ભુવનેશ્વરના એક ઓર્ગેનાઈઝેશને અમને ઈંટ-સિમેન્ટવાળું ઘર બનાવી આપ્યું.

ઇસાકના સસરા જાેસેફ મુંડાએ કહ્યું, મારો જમાઈ સતત વીડિયો બનાવીને લોકલ કમ્યુનિટીના ટ્રેડીશનને આખી દુનિયાને બતાવે છે. લોકોને જાેવા ગમે તેવા વીડિયો બનાવતો હોવાથી રૂપિયા પણ કમાય છે. ઇસાક માત્ર રૂપિયા કમાવવાના હેતુથી વીડિયો નથી બનાવતો પણ તે લોકલ ટ્રેડીશન વિશે લોકોને જાગૃત કરવા ઈચ્છે છે. ઇસાકે કહ્યું, હું ખુશ છું કે કારણકે હવે હું એક શ્રમિક નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.