Western Times News

Latest News from Gujarat India

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોને સન્માનિત કરાયા

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરવાનો આજે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ ડો. જે. એમ. વ્યાસને વર્ષ-૨૦૨૨માં પદ્મશ્રી એવોર્ડ માટે પદનામિત કરાયા તે બદલ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ તેમને અભિનંદન પાઠવી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ફકત દેશમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી નામના મેળવી રહી છે તેનો સંપૂર્ણ શ્રેય તેમને આપ્યો હતો.

અધ્યક્ષાએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની રચના કરવાનો મુખ્ય હેતુ ગુન્હા ક્ષેત્રના ઉકેલ માટે વૈજ્ઞાનિક ટેકનિકલ નિષ્ણાંતોની ઉણપ દૂર કરવાનો છે.

ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપનાથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુન્હા સંશોધન ક્ષેત્રમાં અને આંતરિક સલામતી વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ જણાઈ રહેલ ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિષ્ણાતોની ઉણપ દૂર થશે.અધ્યક્ષાશ્રીએ કહ્યું કે, રાજમાતા મીનળદેવીએ સદીઓ પહેલાં ગુજરાત પર શાસન કર્યુ હતું.

જયારે આપણા મુખ્યમંત્રી મહિલા થઇ ગયા હોય, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ એક મહિલા તરીકે સંસદ ચલાવતા હોય. થોડા સમય અગાઉ આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાજી પાટીલ પણ એક મહિલા તરીકે સમગ્ર દેશના વહીવટનું સંચાલન કરતા હોય એવા સમયે આપણે પણ સંગઠિત અને મજબુત બની આગળ આવવું જરૂરી છે. ગુજરાત સરકારે મહિલા સશકિતકરણની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે.

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને હું સફળતાપૂર્વક નિભાવી રહી છું. સ્ત્રી એ સામાજિક શકિત છે. આજે આપણે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક સમાનતા અને અધિકારીતા વિષે પ્રયત્નશીલ છીએ ત્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં પુરૂષો સાથે મહિલાઓ અભિન્ન અંગ બની રહે તે જરૂરી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers