Western Times News

Latest News from Gujarat India

રાજપીપલાની ટેનિસ ક્લબને 45 લાખના ખર્ચે અદ્યતન બનાવાશે

જિલ્લા કલેકટરના નેતૃત્વ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓના પ્રયાસોથી રાજપીપલાના ટેનિસના ખેલાડીઓ હવે ટેનિસ ક્લબમાં રમતા જાેવા મળશે

(માહિતી) રાજપીપલા, વ્યક્તિના સર્વાંગી ઘડતરમાં તથા નિખાલસ અને ખેલદિલીપૂર્વકની માનસિકતાના ઘડતરમાં રમતગમતનું આગવું સ્થાન છે. વિવિધ પ્રકારની રમત-ગમત શરીરની ક્ષમતા વિકસાવવા, શરીરને મજબૂત બનાવવા ઉપરાંત ધૈર્ય અને આત્મવિશ્વાસ જેવા આંતરિક ગુણો ખીલવવામાં પણ પાયાની ભૂમિકા ભજવે છે,

ત્યારે ખેલકૂદનુ એક આગવું વાતાવરણ સર્જવા અને બાળકોથી લઇ પ્રૌઢ સૌ કોઇને રમત-ગમત સાથે સાંકળવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓના પ્રયાસોથી રાજપીપલામાં એસ.ટી.ડેપો પાસે વિજય ટેનિસ ક્લબને રૂા.૪૪.૭૯ લાખથી વધુના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે.

સ્પોર્ટ્‌સ દ્વારા સબળ, સમર્થ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવાની આ પહેલમાં રાજપીપલાવાસીઓને ઘરઆંગણે વિવિધ રમતોની સાથે ટેનિસક્ષેત્રે આગળ વધવાની તક મળવાની સાથે કારકિર્દી બનાવવા અને રમતક્ષેત્રે આગળ વધવા મોકળું મેદાન મળશે.

રાજપીપલા એસ.ટી.બસ ડેપોની બાજુમાં જ વિક્ટોરીયા ગેટ પાસે વિજય ટેનિસ ક્લબને અદ્યતન બનાવવાની દરખાસ્તને તાંત્રિક મંજૂરી મળી છે. જેમાં હવે સિન્થેટીક કોર્ટ, કમ્પાઉન્ડ, કલરકામ, ફેન્સીંગ, બેસવા માટેના શેડ, પેવર બ્લોક ઉપરાંત ચેન્જીંગ રૂમમાં વોટર કુલર, આર.ઓ. પ્લાન્ટ, લોકર અને વોશરૂમ સહિતની અદ્યતન પ્રકારની આનુસાંગિક સુવિધાઓ ઊભી થશે. હાલ વિજય ટેનિસ ક્લબમાં દરરોજ ૯ થી ૧૦ ટેનિસ ખેલાડીઓ પ્રેક્ટીસ કરી રહ્યાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલા વાસીઓ કબડ્ડી, ખો-ખો, સ્કેટીંગ જેવી વિવિધ રમતોની સાથે ટેનીસક્ષેત્રે આગળ વધીને પોતાના કૌવત-કૌશલ્ય થકી પોતાની સાથે જિલ્લા સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે રાજપીપલા શહેરમાં એસ.ટી.બસ ડેપો પાસે રજવાડા સ્ટેટના સમયથી વિજય ટેનીસ ક્લબ આવેલી છે, પરંતુ અવાવરું જગ્યા હોવાથી તેનો કોઇ જ ઉપયોગ કરતા ન હોવાથી જિલ્લા પ્રશાસનના સહયોગ થકી ટેનિસ ક્લબમાં ઊગી નીકળેલ જંગલી ઘાસ અને ઝાડનું કટીંગ વનવિભાગ દ્વારા અને તેની સાફ-સફાઈ નગરપાલિકાએ કરી છે.

નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ પણ ખાસ રસ લઇ આ ટેનિસ ક્લબ અત્યંત આધુનિક સિન્થેટીક કોર્ટ ઉપલબ્ધ થાય. જેમાં વડીલો, મોટા પ્લેયરો, ઉભરતા પ્લેયરો અને નાના છોકરાઓ પણ ત્યાં આવીને કોઈપણ જાતની નિ-ઇન્જરી વગર રમી શકે તેવી ટેનીસ કોર્ટ માટે પ્રપોઝલ તૈયાર કરી રિજીયોનલ કમિશ્નર મ્યુનિસિપાલિટી સુરતને મોકલી હતી. જે પ્રપોઝલ મંજૂર થઇ ગઇ છે.

અને હવે સ્પોર્ટ્‌સ ઓથોરીટી દ્વારા ટેનિસની રમતના કોચની પણ નિયુક્તિની કાર્યવાહી હાથ ધરાશે જેનાથી રાજપીપલાના સમગ્ર બાળકો આનો લાભ લઈ શકશે. સાથોસાથ ટેનીસના ખેલાડીઓ ટેનીસક્ષેત્રે આગવી કારકિર્દીનું ઘડતર કરે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. કહી શકાય કે રાજપીપલાની જનતાને આજીવન એક મોટી ભેટ ગણાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers