Western Times News

Gujarati News

રિલાયન્સ રશિયા પાસેથી ક્રુડ નહી ખરીદેઃ HPCLએ રશિયા પાસેથી 20 લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ

નવી દિલ્હી : ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઇલ મંગાવવાના પ્રયત્નોની ઝડપ વધારી છે. આઇઓસી પછી હવે હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ પણ વીસ લાખ બેરલ ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આઇઓસી પછી એચપીસીએલે પણ યુરોપીયન વેપારી વિટોલના માધ્યમથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદ્યુ હતું. ફક્ત એટલું જ નહી મેંગ્લોર રિફાઇનરીએ પણ દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલ માટે ટેન્ડર બહાર પાડયું છે.

યુક્રેન પર રશિયાના હુમલાના પગલે પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધ લગાવતા કેટલાય દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યુ છે. તેના લીધે રશિયન ક્રૂડ બજારમાં ભારે છૂટ સાથે ઉપલબ્ધ થઈ ગયું છે. તેના પગલે ભારતની રિફાઇનરીઓએ આ તકનો ફાયદો ઉઠાવવામાં રસ દાખવ્યો છે.

એચપીસીએલ દ્વારા ખરીદવામાં આવેલા ક્રુડની ડિલિવરી મેમાં થવાની છે. આ પહેલા આઇઓસીએ પણ ૩૦ લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ હતુ તેની ડિલિવરી પણ મેમાં થશે.

ફક્ત રિલાયન્સ જ રશિયાનું ક્રૂડ ખરીદવા દોટ નહી લગાવે તેમ મનાય છે, કારણ કે તેના લીધે તેના અમેરિકાના ધંધાકીય હિતો સામે મોટું જોખમ સર્જાઈ શકે છે. ભારતની સરકારી કંપનીઓ રશિયન ક્રુડ ખરીદવા માટે નીચા ભાવના ટેન્ડર જારી કરી રહી છે અને મોટા પ્રમાણમાં રશિયન ક્રુડ ધરાવતા વેપારીઓ આ ટેન્ડર ભરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.