Western Times News

Gujarati News

સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા ૪૯ પ્રાણીઓના મોત

અમદાવાદ, કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સફારી પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા કેટલાય પ્રાણીઓ આકર્ષણનું કેંદ્ર છે. ગુરુવારે રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા ૪૯ પ્રાણીઓના મોત થયા છે.

દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી ૨૨ પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે. વિદેશથી લવાયેલા પશુઓમાં પાંચ અલ્પાકા, ચાર લામા, પાંચ વોલ્બીઝ, પાંચ જિરાફ, ત્રણ ઝિબ્રા, ૩ વિલ્ડબિસ્ટ અને બે ઓરીક્સનો સમાવેશ થાય છે.

જેમાંથી ૩ અલ્પાકા, ૩ વિલ્ડબિસ્ટ, બે લામા, બે ઓરીક્સ, બે વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે. મંત્રીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે.

સરકારે બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થયા બે વર્ષમાં કુલ ૮.૩૭ લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે અને તેમાંથી ૧૫.૭૪ કરોડ રૂપિયાની રેવન્યૂ મળી છે.

અકોટાના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે કહ્યું કે, ૨૦૨૦માં ૧.૨૬ લાખ પ્રવાસીઓએ આ સફારીની મુલાકાત લીધી હતી અને ટિકિટ દ્વારા ૨.૨૪ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

કેમેરા ફી પેટે ૩.૧૬ લાખ રૂપિયાની આવક થઈ. ૨૦૨૧માં ૭.૧૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી ૧૩.૨૩ કરોડ રૂપિયાની આવક થઈ જ્યારે કેમેરા ફી પેટે ૨૨.૭૫ લાખ રૂપિયા વસૂલાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.