Western Times News

Gujarati News

CDS જનરલ બિપિન રાવતને 21 માર્ચના રોજ મરણોપરાંત પદ્મ વિભૂષણની સન્માન થશે

નવી દિલ્હી, દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને 21 માર્ચના રોજ મરણોપરાંત પદ્મ વિભૂષણ વડે અલંકૃત કરવામાં આવશે. આગામી 21 માર્ચના રોજ તેમની દીકરીઓ કૃતિકા અને તારિણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સન્માન ગ્રહણ કરશે. આ વર્ષે 21 અને 28 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ સન્માન પ્રદાન કરવામાં આવશે.

ગત 26 જાન્યુઆરીના રોજ 128 લોકોને પદ્મ સન્માન આપવાની જાહેરાત થઈ હતી. તેમાંથી 4ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી સન્માન વડે અલંકૃત કરવામાં આવશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન

ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ રાવતનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, પદ્મ વિભૂષણ એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું બીજું સર્વોચ્ય નાગરિક સન્માન છે. જનરલ બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ દેશના પ્રથમ CDS તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. CDSનું પદ સોંપવામાં આવ્યું તે પહેલા તેઓ દેશના 27મા થલ સેના અધ્યક્ષ હતા. પૌડી ગઢવાલના હતા રાવત

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ ખાતે આવેલા સૈંણ ગામ સાથે સંબંધ ધરાવતા CDS જનરલ બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ સેનામાં ઉપસેના પ્રમુખના પદેથી સેવાનિવૃત્ત થયા હતા.

જનરલ રાવતે શિમલાની સેન્ટ એડવર્ડ શાળા અને રાષ્ટ્રીય રક્ષા અકાદમી ખડગવાસલા ખાતેથી અભ્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1978માં તેમને ભારતીય સૈન્ય અકાદમીમાંથી ગોરખા રાયફલ્સની 5મી બટાલિયનમાં કમિશન મળ્યું હતું.

તાજેતરમાં તેમના 64મા જન્મદિવસ પર દિલ્હી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે પ્રથમ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વાયુસેના પ્રમુખ આરકે એસ ભદૌરિયા ‘અચીવિંગ સેલ્ફ રિલાયન્સ’ વિષય પર આયોજિત આ લેક્ચરના મુખ્ય વક્તા હતા.

CDSના પદ પર રહીને જનરલ રાવતે રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના વિઝનને આગળ વધાર્યું હતું. તેઓ માનતા હતા કે, જો ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનવું હોય તો તેણે સ્વદેશી હથિયારોનું ઉત્પાદન વધારવું પડશે.

સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ સીડીએસ બિપિન રાવતની યાદમાં શીર્ષ સૈન્ય થિન્ક ટેન્ક ‘યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા (USI)’ માં ‘ચેર ઓફ એક્સીલેન્સ’ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.

ઉત્તરાખંડની દૂન વિશ્વવિદ્યાલયમાં પણ CDS જનરલ બિપિન રાવતની યાદમાં સ્મૃતિ વ્યાખ્યાન માળાની શરૂઆત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.