Western Times News

Gujarati News

ધામણોદ ગામથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ

પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાના ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભા ઉપાધ્યક્ષ

ગોધરા, વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનાં વરદહસ્તે આજે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૨નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાં ધામણોદ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવતા ઉપાધ્યક્ષ એ જણાવ્યું હતું કે ૩૧મી મે સુધી ચાલનારા

આ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂ.૬૫૦ લાખનાં ખર્ચે ૫૫૨ જળસંચયનાં કાર્યો હાથ ધરવામાં આવશે. રાજ્યનાં દરેક ખૂણાનાં નાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવાનાં સરકારનાં પ્રયાસો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં જળસંચયનાં કાર્યો લોકભાગીદારીથી કરવા માટે એન.જી.ઓ ઉપલબ્ધ નથી ત્યાં તળાળ ઉંડા કરવા સહિતનાં જળસંચયનાં કાર્યો માટે સરકાર ૬૦ ટકાનાં બદલે ૧૦૦ ટકા રકમ ફાળવવા માટે મંજૂરી આપી છે, જેનો લાભ શહેરા તાલુકાનાં ૪૫થી વધુ ગામોને મળવાનો છે.

શહેરા તાલુકા સહિત જિલ્લામાં પાણીની સુવિધા અને સિંચાઈની સુવિધાઓ વિષયક કાર્યોનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળસંચયના કાર્યોના પરિણામે બહેનોને આજે પાણીનાં બેડાનાં ભારમાંથી મૂક્તિ મળી છે.

નળ સે જળ અભિયાન અંતર્ગત શહેરા તાલુકામાં જ ૧૦૦ કરોડનાં ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતનાં દરેક નાગરિકને સરકાર ઘરેબેઠા નળથી પાણી આપશે. આ જળ અભિયાન દ્વારા ગુજરાતના નાના-નાના ગામડાઓની સાથે પાણીની જરૂરીયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરીયાતને પૂર્ણ કરવા સબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા,

ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે, તેમ જણાવી સરકારના જળ અભિયાનનાં અભિનવ યજ્ઞકાર્યને લોકસહયોગ દ્વારા વેગ આપવા અનુરોધ કર્યો હતો.

એક સમય એવો હતો કે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું પરતું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના સંકટનાં નિવારણ માટે ગામે-ગામે જળસંચયનો વિચાર અમલમાં મુક્યો, ગામમાં ચેક ડેમ,

ખેત તલાવડીનું નિર્માણ, બોરીબંધ જેવા કાર્યોથી ગામનું પાણી ગામમાં રહે તેવી સુદ્‌દ્રઢ જળ વ્યવસ્થા કાર્યરત કરી. જળ અભિયાનથી કૂવા-તળાવોના જળ સ્તર ઉચા આવ્યા છે, જેને લીધે ખેડૂત બારેમાસ ખેતીના પાક લઇ શકે છે, તો વળી જળ સંચયનાં કામો આરંભાતા આદિજાતિ વિસ્તારોમાં મનરેગા થકી રોજગારીના નવા અવસરો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.