Western Times News

Gujarati News

કોરોના કાળના સેવારત ડેન્ટલ તબીબોનું આરોગ્ય મંત્રીના હસ્તે સન્માન કરાયું

કોવિડ-૧૯ અને મ્યુકરમાઇકોસિસની કટોકટી દરમિયાન રાજ્યના ડેન્ટીસ્ટોએ તબીબી સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા કોરોના મહામારી દરમિયાન ૪૯૧ મ્યુકર માઈકોસિસ દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી : આરોગ્યમંત્રીશ્રી

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે’ નિમિત્તે સંબોધન કરતા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯

મહામારીના કટોકટીકાળમાં ડેન્ટિસ્ટઓએ તબીબી સેવા પૂરી પાડી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આરોગ્યમંત્રીશ્રીએ કહ્યું કે ,અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં ૪૯૧ મૂકરમાઈકોસિસના દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી, જે આ તબીબોની નિપુણતા દર્શાવે છે.

શ્રી ઋષિકેશભાઈ એ કોવિડ-૧૯ મહામારીનું ઉલ્લેખ કરતાં કહ્યું કે કોરોના કાળ દરમિયાન જ્યારે ડોક્ટરની જરૂરિયાત ઉભી થઇ હતી ત્યારે ડેન્ટિસ્ટઓએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને તબીબી સહાય પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સ્વાસ્થ્ય એ માનવીની સૌથી મોટી સંપતિ છે અને જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તે વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ આનંદ ઉઠાવી શકતો નથી તેથી સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. આ સંદર્ભે તેમણે ઓરલ હેલ્થનો સંદર્ભ આપતા કહ્યું કે, આપણે શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપીએ છે એટલું જ ધ્યાન મોઢા સ્વાસ્થ્ય પર પણ આપવું જોઈએ .મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તંદુરસ્ત પેઢા ,મજબૂત દાંત ,મોં અને જીભ એકંદરે સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની નિશાની છે.

આરોગ્ય મંત્રીશ્રીએ આ અવસરે તમાકુ સેવન ના દુષ્પરિણામો અંગે યુવાનોને ચેતવતા કહ્યું કે આજે લોકો જાણે-અજાણે તમાકુના સેવનનો શિકાર બની રહ્યા છે અને અંતે મોંના કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ બને છે , તે સંજોગોમાં યુવાનોમાં વ્યસનમુક્તિ માટે ડેન્ટિસ્ટ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે અને લોકોને તમાકુની ખરાબ આદત છોડાવવા મદદ કરે છે.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યની વિવિધ ડેન્ટલ કોલેજ દ્વારા કોરોનાકાળ અને મ્યુકરમાઇકોસિસ દરમિયાન કરવામાં આવેલી સરાહનીય કામગીરીને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે-૨૦૨૨’ ના દિવસે આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે દાંત અને પેઢાના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપતી પુસ્તિકાનું અનાવરણ કરાયું.

ઓરલ હેલ્થ ડે દિવસે મંત્રીશ્રીએ ડૉ‌ પ્રતિભા આઠવલે દ્વારા ‘ઓરલ હેલ્થ’ ક્ષેત્રે કરવામાં આવેલી જનજાગૃતિની ઉત્કૃષ્ટ કામગીરીને યાદ કરી હતી.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે ડેન્ટલ કોલેજ દ્વારા વિવિધ જનજાગૃતિના વિષય આધારિત વર્કશોપનું આયોજન કરીને ઓરલ હેલ્થ અંગે કરવામાં આવી રહેલ મહત્વની કામગીરીની સરાહના કરી હતી.
તેમણે ડેન્ટલ ક્ષેત્રે ટેલિમેડીસીન ના સેવા કાર્યરત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું આ પ્રસંગે કહ્યું હતું.

આજના કાર્યક્રમમાં અમદાવાદ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ બારોટ, તબીબી શિક્ષણ અધિક નિયામક શ્રી રાધવ દીક્ષિત, સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિટેન્ડન્ટ, ડીન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. – અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.