Western Times News

Gujarati News

પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી

દેહરાદૂન, ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની નવી સરકારને લઈને મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર ભાજપ નેતાઓની બેઠક બાદ સોમવારની સાંજે ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. કેરટેકર સીએમ પુષ્કર સિંહ ધામી બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. ખટીમાથી ચૂંટણી હારવા છતાં પુષ્કર સિંહ ધામી ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે.

દેહરાદૂનમાં આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં ફરી પુષ્કર સિંહ ધામી પર પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધામીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા બાદ રાજનાથ સિંહે કહ્યુ કે, હું પુષ્કર સિંહ ધામીને શુભેચ્છા આપુ છું. મને વિશ્વાસ છે કે ઉત્તરાખંડ તેમના નેતૃત્વમાં પ્રગતિ કરશે. ધામી સરકાર ચલાવી ચુક્યા છે.

તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. તેમણે છ મહિનાના કાર્યકાળમાં પોતાની છાપ છોડી છે. આ પહેલાં સોમવારે સવારે રાજ્યપાલ ગુરમીત સિંહે પ્રોટેમ સ્પીકર બંશીધર ભગતને રાજભવનમાં પદ તથા ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ ઉત્તરાખંડની પાંચમી વિધાનસભા માટે ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભામાં પદ તથા ગોપનીયતાના શપત અપાવવામાં આવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ઉત્તરાખંડમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્યારબાદ ૧૦ માર્ચે મતગણતરીમાં ભાજપે ૪૭ સીટો જીતી બહુમત હાસિલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસને ૧૯ અને અપક્ષ તથા બસપાને બે-બે સીટો મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.