Western Times News

Gujarati News

અમદાવાદના ૭૦ ટકા ભાગનું તાપમાન ૪૫ ડીગ્રીએ પહોંચશે

અમદાવાદ, વિકાસના નામે આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ અને કોંક્રીટનું જંગલ બનાવવામાં વ્યસ્ત છીએ પરંતુ તેના માઠા પરિણામ ભવિષ્યમાં ભોગવવા પડી શકે છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો, જાે આપણે આ જ પ્રકારે ઈમારતો ઉભી કરતા રહીશું અને ગ્રીન કવર વિસ્તાર ઘટાડતા રહીશું તો વર્ષ ૨૦૩૦ સુધીમાં શહેરના ૭૦ ટકા ભાગમાં જમીનની સપાટીનું તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જમીનની સપાટીનું તાપમાન વધવાને કારણે સપાટી તો સળગશે જ પરંતુ તેના કારણે ઉનાળામાં શહેરના વાતાવારણનું તાપમાન પણ પ્રભાવિત થશે. આઈઆઈટી રુરકી અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ, બેંગ્લોરના અર્થ સાયન્સ વિભાગના સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં આ ચિંતાજનક તારણો સામે આવ્યા છે.

આજે જ્યારે પારો ૪૧ ડિગ્રી થઈ જાય છે ત્યારે અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી જાય છે. પરંતુ આ અભ્યાસ અનુસાર, ભવિષ્યમાં એવો સમય આવી શકે છે જ્યારે શિયાળામાં પણ શહેરના ૪૦ ટકા ભાગમાં જમીનની સપાટીનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. સંશોધકોએ સરખેજ, શીલજ, સોલાના અમુક વિસ્તાર, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ, અમિયાપુર તેમજ સાબરમતીના અમુક ભાગ જેવા વિસ્તારોના હીટ મેપ તૈયાર કર્યા છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં જમીનનું તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ગોતા, જગતપુરા, આંબલી જેવા વિસ્તારોમાં જમીનની સપાટીનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયલ થઈ શકે છે.

નદીના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો, એરપોર્ટ એરિયા, હાંસોલ, શાહવાડી, પિપળજ, નારોલ ગામ, વટવા, ઈસનપુર, મણિનગર, બહેરામપુરા, કેલિકો મિલ, ખોડિયારનગર, ઈન્દિરા નગર, લાંબા વગેરે વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી પહોંચી શકે છે.

વર્ષ ૨૦૨૦માં આમાંથી મોટાભાગના વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વાતાવરણનું તાપમાન ૩૫થી ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. સંશોધકો જણાવે છે કે, અમારા સંશોધન અનુસાર અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૫ અને ૨૦૩૦માં બાંધકામના ક્ષેત્રમાં ક્રમશઃ ૫.૭૭ ટકા, ૧૩.૦૮ ટકા વધારો થઈ શકે છે. જેના કારણે ખેતીની જમીનમાં ૪.૧૫ ટકા અને ૧૨.૫૪ ટકા ઘટાડો થઈ શકે છે.

નોંધનયી છે કે આઈઆઈટીરુરકીથી પિર મોહમ્મદ, અજંતા ગોસ્વામી અને સાર્થક ચૌહાણ તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના શૈલેષ નાયકે આ સંશોધન કર્યું છે. સંશોધકોનું કહેવું છે કે, શહેરી વિસ્તારમાં વધી રહેલા બાંધકામને કારણે જમીનની સપાટીનું તાપમાન જેને વિજ્ઞાનની ભાષામાં લેન્ડ સર્ફેસ ટેમ્પરેચર(એલએસટી) કહેવામાં આવે છે તે વધી શકે છે

વર્ષ ૨૦૩૦ માટે વાતાવરણનું તાપમાન અને એલયુએલસી(લેન્ડ કવર)ની ધારણા કરવા માટે સંશોધકોએ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક(એએનએન) અધારિત સેલ્યુલર ઓટોમેટા(સીએ) મોડલનો ઉપયોગ કર્યો છે, જેની એક્યુરસી ૮૯.૨ ટકા છે.

પિર મોહમ્મદ અને શૈલેશ નાયક જણાવે છે કે, ગ્રીન કવર એરિયામાં વધારો કરવાની સલાહ આપવામાં આવે છે જેથી આ સમસ્યાને ટાળી શકાય. આ સંશોધનના પરિણામોને અર્બન પ્લાનર્સ અને પોલીસીમેકર્સને કામ લાગી શકે છે. સંશોધકોએ વર્ષ ૨૦૧૦થી લઈને અત્યાર સુધીના અમદાવાદ શહેરના સેટેલાઈટ ડેટાનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં એલયુએલસીમાં મોટો ફેરફાર થયો છે. જેના પરિણામાં જમીનની સપાટીનું તાપમાન વધી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.