Western Times News

Gujarati News

સરકારે અમદાવાદની ઝુંપડપટ્ટીઓમાં વસતા લોકોને પાકા આવાસ પુરા પાડવાનું આયોજન હાથ ધર્યું છે

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિકાસકાર્યોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્ત
***
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, દરેક નાગરિકને ‘ઘરનું ઘર’ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં પરિણામલક્ષી પગલાં લીધા છે…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઓઢવ – ઈન્દિરાનગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે નગરજનોને રૂ. ૨૭૧ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમદાવાદ શહેરની ઝુંપડપટ્ટીઓમાં વસતા ગરીબોને પાકા આવાસ પુરા પાડવાનું આયોજન હાથ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૭૯ કરોડના હાઉસિંગ પ્રકલ્પ, રુ. ૪૭ કરોડના પાણી-પુરવઠા અંગેના પ્રકલ્પ અને રુ. ૧ કરોડનો હેરિટેજ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. અહીં એ નોંધવુ જરુરી છે કે આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પ અન્વયે ૧૬૧૦ મકાનો અને ૫૨ દુકાનોનું પ્રજાજનોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આવાસોની યોગ્ય રીતે જાળવણી કરવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રોટી, કપડા અને મકાન એ સામાન્ય માણસની મૂળભૂત આવશ્યકતા છે અને આ આવશ્યકતાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર ગરીબ તેમ જ મધ્યમવર્ગની જરૂરિયાતોને લઈને અનેકવિધ આયોજન કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું

શ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે, ખાસ કરીને ગરીબ મધ્યમવર્ગના નાગરિકોનું સપનું હોય છે કે શહેરમાં તેનું પોતાનું ‘ઘરનું ઘર’ હોય અને આ સપનાઓને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે પરિણામ લક્ષી પ્રયત્નો કર્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારના ગરીબલક્ષી અભિગમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં કોઈ ગરીબ ભૂખ્યો ન સુએ તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા કરી અને ગરીબોને મફત અનાજ આપ્યું સાથે સાથે
કેન્દ્ર અને રાજ્ય સરકાર સામાન્ય માણસના આરોગ્યની ચિંતા કરી રહી છે અને એટલે જ ગુજરાતના નાગરિકોને કોરોના સામે સુરક્ષા પૂરી પાડવા રસીના ૧૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ શહેરની પ્રજાના મિલનસાર સ્વભાવ અને અનુકુલન સાધવાના અભિગમના પગલે સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. પ્રજાની આ વિશેષતાઓને કારણે જ શહેરમાં ધંધા-રોજગારનો વિકાસ થયો છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારો ફક્ત વાયદા- વચનો આપતી હતી, પણ શ્રી નરેન્દ્રભાઈએ દરેક પરિવારને મકાન મળે તેનો સંકલ્પ કર્યો અને આજે તે સાકાર થઈ રહ્યો છે.

રાજ્યકક્ષાના શહેરી વિકાસમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આજે અનેક લાભાર્થીઓને જે લાભ મળી રહ્યો છે, તે જ લાભ ભવિષ્યમાં અન્ય લાભાર્થીઓને પણ મળશે. તેમણે રાજ્યના દરેક પરિવારને આવાસ આપવાના રાજ્ય સરકારના પ્રયાસોને અનુકરણીય ગણાવ્યા હતા.

અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં પણ અમદાવાદમાં વિકાસના કામો અટક્યા નથી અને આ સમયમાં રૂ. ૨૨૦૦ કરોડના ખાતમુહૂર્ત, લોકાર્પણ કરવામાં આવ્યા. છે.
આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ,ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી, મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી લોચન સેહરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.