Western Times News

Gujarati News

રેલ્વે મંત્રાલય પાસે લેણી રકમ વસુલવા હવે સાંસદો પ્રયાસ કરશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષની લેણી રકમની વસુલાત કરવા માટે મ્યુનિસિપલ દ્વારા મિલકતોને સીલ મારવા સહિતની કડક ઝૂૃબેશ ચાલી રહી છે. પરંતુ રૂા.રપ૦૦થી ર૬૦૦ કરોડ જેટલી રકમ ૧પ વર્ષથી વસુલાત વિના અટકતી રહી છે.

એ પૈકી અમદાવાદમાં આવેલી કેન્દ્ર સરકાર હસ્તકના રેલ્વે મંત્રાલયની મિલકતોના પ્રોપર્ટી ટેક્ષની રૂા.ર૧ કરોડ જેટલી માતબર રકમ લેણા પેટે બાકી નીકળે છે.એ રકમ માટે રેલ્વે મંત્રાલય દિલ્હીને વારંવાર પત્રો લખવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા હવે વહીવટી કક્ષાને બદલે રાજકીય સ્તરે પ્રયાસો કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. એ માટે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાંક વગદાર સાંસદો સમક્ષ રજુઆત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

દેખીતી રીતે જ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષની રૂા.રપ૦૦થી ર૬૦૦ કરોડની રકમ લેણી નીકળે છે. તેમાં મોટાભાગની રકમ અમદાવાદની બંધ પડેલી મિલો, સિનેમા થીયેટરો અને ભંગારમાં ગયેલી મિલો અને કારખાનાઓ તથા કેટલીક કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ સુત્રોએ જણાવ્યુ હતુ કે આયકર (ઈન્કમ ટેક્ષ ) વિભાગની મિલકતોના પ્રોપર્ટી ટેક્ષની લેણી રકમ અંગે કેટલોક વિવાદ હતો.
પણ તે ઉકેલાઈ જતાં આયકર વિભાગ દ્વારા હવે પ્રોપર્ટી ટેક્ષ અંગેનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પરંતુ અમદાવાદ શહેરમાં આવેલી કેન્દ્રીય રેલ્વે મંત્રાલય હસ્તકની મિલકતોનો પ્રોપર્ટી ટેક્ષ અંગેનો કોઈ ઉકેલ આવતો નથી એટલુ જ નહીં રેલ્વે મંત્રાલય મ્યુનિસિપલ કોર્પોરેશનના વિનંતી પત્રોનો ઉત્તર વાળવામાં પણ કાળજી લેતુ નથી.

સુપ્રિમ કોર્ટના એક આદેશ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન , રેલ્વે મંત્રાલયની મિલકતોના પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવા માટેે કોઈ પગલાં ભરી શકતુ નથી.

રેલ્વે મંતરાલય એવી દલીલ કરી રહ્યુ છે કે રેલ્વેની સેવા એ જાહેર સેવા છે. તેથી તેની મિલકતો પર પ્રોપર્ટી ટેક્ષ લાગુ પડે નહી. આ વિવાદ સહિતની વિવિધ બાબતો અને લેણી રકમ માટે સાંસદો સમક્ષ રજુઆત કરી તાકીદે ઉકેલ લાવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ શાસક પક્ષ ભાજપને પણ એવી આશા છે કે ભાજપના સાંસદો દ્વારા ઉકેલ લાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.