Western Times News

Gujarati News

ધર્માંતરણનો વિરોધ કરનારી હિન્દુ કિશોરીની પાકિસ્તાનમાં ક્રુર હત્યા

કરાંચી, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવાનો સિલસિલો સતત ચાલુ છે. પાકિસ્તાનથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં અપહરણ કરવામાં નિષ્ફળ ગયેલા અપરાધીએ હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરી નાખી. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં ૧૮ વર્ષની એક હિન્દુ છોકરીના અપહરણમાં નિષ્ફળતા મળતા તેની હત્યા કરી દેવાઈ.

સોમવારે મીડિયામાં આવેલા એક ખબરમાં આ જાણકારી અપાઈ છે. અખબાર ફ્રાઈડે ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સિંધ પ્રાંતના સુક્કુરના રોહીમાં પૂજા ઓડ નામની હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરવામાં આવી. પૂજા ઓડે જ્યારે અપહરણનો વિરોધ કર્યો તો અપહરણકારોએ બધાની સામે જ તેને જાહેરમાં ગોળી મારી દીધી. પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના કોઈ નવી ઘટના નથી.

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓ પર જુલ્મનો સિલસિલો સતત ચાલુ છે. સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરી લેવાઈ છે. લશારી પાસેથી હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. એસપીએ જણાવ્યું કે આરોપી વાહિદ પૂજા સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવા માંગતો હતો.

ખબરમાં કહેવાયું છે કે પ્રત્યેક વર્ષ અલ્પસંખ્યક સમુદાયોની મહિલાઓનું ખાસ કરીને સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ચરમપંથીઓ તેમનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવે છે.

પાકિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો લાંબા સમયથી જબરદસ્તીથી વિવાહ અને ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર નાઈલા ઈનાયતે પૂજા કુમારી અને તેના હત્યારાની તસવીર ટિ્‌વટર પર શેર કરતા લખ્યું છે કે પાકિસ્તાન નામની આ પાક જમીન પર દરરોજ હિન્દુ અને ખ્રિસ્તિ દીકરીઓનું અપહરણ કરાય છે, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન કરાવી દેવાય છે અને પાકિસ્તાન આ બધુ તમાશાબીન બનીને જાેયા કરે છે.

સિંધના સુક્કુરમાં અપહરણ અને ધર્માંતરણનો વિરોધ કરનારી ૧૮ વર્ષની પૂજા કુમારી ગોડની વાહિદ લશારીએ ગોળી મારીની હત્યા કરી નાખી.
પાકિસ્તાનમાં પીપલ્સ કમીશન ફોર માઈનોરિટી રાઈટના જણાવ્યાં મુજબ ૨૦૧૩થી ૨૦૧૯ વચ્ચે આવી ૧૫૬ ઘટનાઓ ઘટી છે જેમાં હિન્દુ છોકરીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.

૨૦૧૯માં સિંધ પ્રાંતમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો લાવવાની કોશિશ કરાઈ હતી પરંતુ કટ્ટરપંથીઓના ભારે દબાણ સામે આ બિલને પાછું ખેંચવું પડ્યું. આ જ વર્ષે બે હિન્દુ છોકરીઓ રીના અને રવીના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી જ્યારે તેમના પરિવારે અપહરણની ફરિયાદ કરી હતી.

પરંતુ બંને બહેનોએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે તેમણે પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યું. પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં ૧.૬ ટકા હિન્દુઓની વસ્તી છે. જેમાંથી ૬.૫૧ ટકા હિન્દુઓની વસ્તી તો ફક્ત સિંધ પ્રાંતમાં છે. અહીં તેઓ મુસલમાનો સાથે પોાતાની સંસ્કૃતિ અને ભાષા શેર કરે છે. પરંતુ હિન્દુ મહિલાઓ વિરુદ્ધ જુલ્મની ખબરો પણ અહીંથી જ સૌથી વધુ આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.