Western Times News

Gujarati News

SARS-CoV2 વેરિયન્ટને કારણે ભારતમાં આવી શકે છે ચોથી લહેર

નવી દિલ્હી, SARS-CoV2ના હાઈબ્રિડ વેરિયન્ટ્‌સ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડબલ્યુએચઓ આ વેરિયન્ટને ગંભીરતાથી લઈ રહ્યું છે. આ નવું વેરિયન્ટ મૂળભૂત રીતે વર્તમાન બે અથવા બેથી વધારે વેરિયન્ટ્‌સની લાક્ષણિકતાઓ ધરાવે છે. વર્તમાન વેરિયન્ટ્‌સના મિશ્રણ એવા આ નવા વેરિયન્ટ્‌સને કારણે વૈજ્ઞાનિકોની ચિંતા પણ વધી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રકારના વેરિયન્ટ્‌સ પર ચોકસાઈથી નજર રાખવી જરૂરી છે કારણકે શક્ય છે કે આ વેરિયન્ટ્‌સ માણસની રોગપ્રતિકારક શક્તિને તોડવા માટે સક્ષમ હોય. સરળ ભાષામાં કહીએ તો વૈજ્ઞાનિકોને ચિંતા છે કે કદાચ આ નવા વેરિયન્ટ્‌સ તેવા લોકોને પણ પ્રભાવિત કરી શકે છે જેઓ પહેલા કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા હોય અથવા એવા લોકો જેમણે કોરોનાની રસી લઈ લીધી હોય.

યુએસ, યુકે, ફ્રાન્સ અને ઈઝરાયલ જેવા દેશોમાં અત્યાર સુધી એવા ઘણાં કેસ સામે આવી ચૂક્યા છે જ્યાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂકેલા લોકો પણ આ સંયોજિત વેરિયન્ટ્‌સનો શિકાર બન્યા હોય. આ નવા વેરિયન્ટ્‌સમાં ડેલ્ટા અને ઓમિક્રોન બન્નેની લાક્ષણિકતાઓ જાેવા મળે છે.

ભારત દેશની વાત કરીએ તો, આઈએલબીએસના વાઈસ-ચાન્સલર ડોક્ટર એસ.કે. સરિન જણાવે છે કે, આપણા દેશમાં હજી સુધી આ વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. અમારી વાયરોલોજી લેબમાં તાજેતરમાં જે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું તે અનુસાર અત્યારે ૯૮ ટકા દર્દીઓમાં બી.એ.૨ વેરિયન્ટ છે અને બાકીના દર્દીઓમાં બી.એ.૧ વેરિયન્ટ છે, જે બન્ને ઓમિક્રોન વેરિયન્ટના પ્રકાર છે.

જાે કે ડોક્ટર સરિનનું કહેવું છે કે આપણે નવા વેરિયન્ટ્‌સથી સજાગ રહેવું પડશે, કારણકે તે ભારતમાં કોરોના મહામારીની ચોથી લહેર માટેના કારણ બની શકે છે. દુનિયાભરમાં અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બી.એ.૨ વેરિયન્ટ તેના માટે જવાબદાર છે.

ભારતના શ્રેષ્ઠ વાયરોલોજીસ્ટમાંથી એક ડોક્ટર ગગનદીપ કાંગ જણાવે છે કે, ત્રીજી લહેરમાં ભારતમાં ઘણાં લોકો બી.એ.૨નો શિકાર બન્યા હતા. માટે ભારત માટે ફરી એકવાર બી.એ.૨થી લોકો સંક્રમિત થાય તેની શક્યતા ઘણી ઓછી છે. આપણે હવે જે નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે તેના પર નજર રાખવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૮૪ ટકા વયસ્કોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઈ લીધા છે.

વૃદ્ધોને ત્રીજાે ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. એઈમ્સના પૂર્વ ડીન અને ઈમ્યુનોલોજીસ્ટ ડોક્ટર એન.કે. મહેરા જણાવે છે કે, સાવચેતીના ભાગ રુપે ત્રીજાે ડોઝ તમામ વયસ્કોને આપવો જાેઈએ, ખાસકરીને એવા લોકોને જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે.

ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો જાે કોરોના સંક્રમિત થાય તો લક્ષણો જતા રહે તો પણ લાંબા સમય સુધી વાયરસ તેમની સાથે રહે છે, જેના કારણે સંક્રમણનો ડર વધારે રહે છે. WHO દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જ્યારે વાયરસ પોતાની કોપી કરે છે, ત્યારે ઘણીવાર તેમાં બદલાવ જાેવા મળે છે.

આ બદલાવને મ્યુટેશન્સ કહેવામાં આવે છે. જે વાયરસમાં એક અથવા એકથી વધારે મ્યુટેશન્સ હોય તેને વેરિયન્ટ કહેવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, વાયરસ જેટલો વધારે ફેલાય છે, તેટલો વધારે તેમાં બદલાવ જાેવા મળે છે. સમયની સાથે મૂળ વાયરસ કરતાં તેના વેરિયન્ટનું પ્રમાણ વધી જાય છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવિડ-૧૯ ટીમના ટેક્નિકલ લીડ મારિયા વેન જણાવે છે કે, ડેલ્ટા અને ઓમિક્રોનનું કોમ્બિનેશન ડિટેક્ટ કરવામાં આવ્યું છે, પરંતુ તે અત્યારે ઘણાં ઓછા પ્રમાણમાં છે. આપણે ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટમાં જાેયું છે તેમાં કેટલા મોટા પ્રમાણમાં બદલાવ થાય છે.

સંશોધકો, વૈજ્ઞાનિકો, સ્વાસ્થ્ય કર્મચારી જે લોકો જીનોમનો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ નવા રિકોમ્બિનન્ટ્‌સને ડિટેક્ટ કરવા સરળ હતા. અત્યારે વાયરસની ગંભીરતામાં કોઈ નોંધનીય બદલાવ જાેવા નથી મળ્યો, પરંતુ ઘણાં અભ્યાસ હજી ચાલી રહ્યા છે. પરંતુ આખરે આ રિકોમ્બિનન્ટ્‌સ પણ એક પ્રકારના વાયરસ છે, અને સમયની સાથે તેમાં બદલાવ નિશ્ચિત છે. માટે તે અમારા રડાર પર છે. ચોક્કસપણે તે ગંભીર છે અને અમે ટેસ્ટિંગ ચાલુ રાખ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.