Western Times News

Gujarati News

પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

દહેરાદૂન, પુષ્કર સિંહ ધામીએ બીજીવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ લેફ્ટનેન્ટ જનરલ (સેવાનિવૃત) ગુરમીત સિંહે પુષ્કર ધામીને શપથ લેવડાવ્યા હતા. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.

દહેરાદૂન પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ઘણા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ લેતાની સાથે જે પુષ્કર ધામી રાજ્યના 12માં મુખ્યમંત્રી બની ગયા છે. આ સમારોહમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

ધામીના કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેનારાઓમાં ધન સિંહ રાવત, ગણેશ જોશી, રેખા આર્યા, સુબોધ ઉનિયાલ, સૌરભ બહુગુણા, પ્રેમચંદ અગ્રવાલ, ચંદન રામ દાસ અને સતપાલ મહારાજ સામેલ રહ્યા છે.

પિથરાગઢના ટુંડી ગામમાં 16 સપ્ટેમ્બર 1975ના રોજ જન્મેલા પુષ્કર સિંહ ધામીની પાર્ટીમાં મજબૂત પકડ છે. તેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીની નજીકના છે. આ સિવાય ધામીને રક્ષા મંત્રી રાજનાથ સિંહના પણ નજીકના માનવામાં આવે છે. જ્યારે ઉત્તરાખંડને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે ધામી ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

પુષ્કર સિંહ ધામી 2012માં પહેલીવાર ખટીમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને લગભગ 5 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2017ની ઉત્તરાખંડ વિધાનસભાના ચૂંટણીમાં ધામીએ ખટીમાથી સતત બીજી વખત ચૂંટણી જીતી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવનચંદ્ર કાપડીને 3 હજારથી ઓછા મતોથી હરાવ્યા હતા. તેઓ ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી બન્યા. આ વખતે કાપડીએ તેમને 6000 મતોથી હરાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.