Western Times News

Gujarati News

જલ વિહાર STPના કોન્ટ્રાકટરને રૂા.૮૭ લાખની પેનલ્ટી

પ્રતિકાત્મક

  • પેનલ્ટી બચાવવા વધુ એક વખત ઉચ્ચ અધિકારીઓ મરણિયા થયા
  • બે વર્ષ અગાઉ થયેલ કૌભાંડનું થઈ રહેલ પુનરાવર્તન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચંદ્રભાગાના નાળામાં આવતા ગંદા પાણીનું ટ્રીટ કરવા માટે ૧૦૦ એમએલડી ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ બનાવવા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા બાદ અગમ્ય કારણોસર ૧૦૦ના બદલે ૬૦ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે ચંદ્રભાગાના નાળામાં આવતા ગંદા પાણીની સમસ્યાનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી.

જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ૬૦ એમએલડી “જલ વિહાર” પ્લાન્ટના કોન્ટ્રાકટરની નિષ્ફળતા અનેક વખત જાહેર થઈ છે તથા તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે તગડી પેનલ્ટી પણ કરી હતી પરંતુ એસટીપી અને સીટી ઈજનેરની કચેરીમાંથી કોન્ટ્રાકટરને બચાવવા સતત પ્રયાસ થતા રહયા છે. બે વર્ષ અગાઉ પણ તત્કાલીન સીટી ઈજનેર દ્વારા જલવિહારના કોન્ટ્રાકટરને બચાવવામાં આવ્યા હતા જયારે હાલ પણ કોન્ટ્રાકટરને મોટી રકમની પેનલ્ટી થઈ છે પરંતુ ઈજનેર વિભાગમાં ચાલી રહેલી “ભ્રષ્ટાચારની દુષિત હવા”ના કારણે કોન્ટ્રાકટર બે ફીકર થઈને ફરી રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અંદાજે રૂા.૮૪ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા “જલ વિહાર ટ્રીટમેન્ટ પ્લાન્ટ”ના ઓપરેશન- મેઈન્ટેન્સ ટેન્ડર શરત મુજબ જ “રાજકમલ બિલ્ડર્સ”ને ર૦૧૯માં સોંપવામાં આવ્યા હતા.

મ્યુનિ. એસટીપી વિભાગના સુત્રોએ “રાજકમલ”ને વાર્ષિક રૂા.એક કરોડના ભાવથી દસ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં દસ મહીનાનો વિલંબ થયો હોવા છતાં કોઈ જ પગલા લેવામાં આવ્યા ન હતા.

જલવિહારના ટ્રાયલ રનમાં પણ નેગેટીવ રીપોર્ટ આવ્યા હોવા છતાં તત્કાલીન સીટી ઈજનેરે કમીશનીંગ શરૂ કરાવવા બહારની “લેબ”માં રીપોર્ટ સેટ કરાવ્યા હોવાની પણ ચર્ચા તે સમયે ચાલી હતી જલ વિહાર પ્લાન્ટ પાસે નદીના પાણીમાં ડહોળાશ આવતી હતી તેથી તત્કાલીન કમીશ્નરે ખુલાસા માંગ્યા હતા જેમાં પેરામીટર જળવાતા ન હોવાની વિગતો બહાર આવી હતી, તેથી મ્યુનિ. કમિશ્નરે કોન્ટ્રાકટરને પેમેન્ટ ન કરવા આદેશ કર્યા હતા તથા તગડી રકમની પેનલ્ટી પણ કરી હતી જે તે સમયે વહેતી થયેલી વાતો મુજબ “જલ વિહાર”ના કોન્ટ્રાકટરને રૂા.૪૬ લાખની પેનલ્ટી કરવા કમિશ્નરે ફાઈલમાં નોંધ લખી હતી. પરંતુ તત્કાલીન ઉચ્ચ અધિકારીઓએ ટેન્ડર શરત મુજબ પ્રતિ એક હજાર લીટરે રૂા.બે લેખે પુરા દિવસની ગણત્રી કરી પેનલ્ટી કરવાની શરતને અભરાઈએ મુકી હતી.

શીફટ દીઠ રૂા.બે હજાર મુજબ પેનલ્ટીની ગણત્રી કરી હતી તત્કાલીન ઉચ્ચ અધિકારીઓના નવા ગણિત મુજબ જલ વિહારના કોન્ટ્રાકટરને માર્ચ- ર૦૧૯થી ફેબ્રુઆરી- ર૦ર૦ સુધીના સમયગાળા માટે એસએલ જળવાતા ન હોવાથી રૂા.૬૭પ૯ર, બીઓડીના પેરામીટર ન જળવાતા રૂા.ર૪પ૧૩, ફીકસ માટે રૂા.૪૮૭૩૯ તથા અન્ય પરીબળો માટે રૂા.૩૬૦૭ની ગણત્રી કરી માત્ર રૂા.૧૪૪૪૯૧ની પેનલ્ટી કરી હતી એસટીપી વિભાગમાં ચાલી રહેલી ચર્ચા મુજબ તત્કાલીન સીટી ઈજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલી સદ્‌ર ફોમ્યુલાને “કમિશ્નર કચેરી” તરફથી હજી સુધી મંજુરી મળી નથી, જાેકે તે સમયે રજુ કરવામાં આવેલા રૂા.ર૧૯૧૧ર૮૩.૪૪ ના બીલમાંથી વિભાગ દ્વારા માત્ર રૂા.૩૦૮૩ર જ કાપવામાં આવ્ય્‌ હતા.

ભુતકાળમાં જે રીતે જલ વિહારના કોન્ટ્રાકટરને બચાવવા પ્રયાસ થયા હતા તેવા જ પ્રયાસ હાલ પણ થઈ રહયા હોવાની વિગતો બહાર આવી છે.

જલવિહાર એસટીપી ના કોન્ટ્રાકટર “રાજકમલ” દ્વારા ડીસેમ્બર-ર૦ર૦ થી સપ્ટેમ્બર- ર૦ર૧ સુધીના સમયગાળા માટે રૂા.એક કરોડનું બીલ રજુ કરવામાં આવ્યું હતું. એસટીપી વિભાગના અધિકારીઓએ પેરામીટર મળતા ન હોવાના કારણોસર ટેન્ડર શરત મુજબ ગણત્રી કરી “રાજકમલ”ના બીલમાંથી રૂા.૮૭ લાખની પેનલ્ટી કાપી હતી. પરંતુ કોન્ટ્રાકટરે વધુ એક વખત તેની રાજકીય વગનો ઉપયોગ કરીને બીલને અટકાવ્યા છે તથા પધ્ધતી મુજબ શીફટ દીઠ પેનલ્ટી કરવા માટે સીટી ઈજનેર ઉપર પણ દબાણ લાવી રહયા છે જેના કારણે બે વર્ષ અગાઉ થયેલા કૌભાંડનું પુનરાવર્તન થઈ રહયુ હોય તેમ સ્પષ્ટ લાગી રહયું છે.

ચોંકાવનારી બાબત એ છે કે જલ વિહારના જ કોન્ટ્રાકટરને વિંઝોલના પ્લાન્ટ પણ સોંપવામાં આવ્યા છે જેમાં છેલ્લા બે વર્ષથી કોઈ જ પેરામીટર ધ્યાનમાં લેવામાં આવતા નથી. જેના કારણે કેમીકલયુક્ત- એસિડિક પાણી નદીમાં જઈ રહયા છે. તેની તરફ પણ ધ્યાન આપવામાં આવી રહયું નથી. કોન્ટ્રાકટર દ્વારા રચવામાં આવેલ “નોટો”ની માયાજાળમાં ઈજનેર વિભાગની સાથે સાથે સાબરમતી પણ દુષિત થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.