Western Times News

Latest News from Gujarat

યુક્રેન- રશિયા વચ્ચેના યુદ્ધથી પર્યાવરણને પણ મોટું નુકસાન થશે

જલવાયુ પરિવર્તનના ખતરનાક પરિણામ દુનિયા ભોગવી રહી છે. ધરતીકંપ, ચક્રવાત, સુનામી, જંગલની આગ, અતિવૃષ્ટિ, દુષ્કાળ આ બધા પાછળનું મૂળ કારણ એ છે કે, ઋતુચક્ર ખોરવાવા લાગ્યું છે. કાળા માથાનો માનવી ભૌતિકવાદની આંધળી દોડમાં બેફામ બનીને કુદરતને પડકારવા લાગ્યો છે.

‘હું જ સૌથી સમર્થ છું’ એવું અભિમાન માનવજાતિને જ ભારે પડશે. આખી દુનિયાના વિજ્ઞાનીઓ એક વાતમાં સ્પષ્ટ અને સંગઠિત છે કે, કાર્બન ઉત્સર્જન નિયંત્રણમાં નહીં લેવાય, વૃક્ષારોપણ અને જળસંચય જેવા કાર્યક્રમ વ્યાપક સ્તરે હાથ નહીં ધરાય, જંગલોનું નિકંદન, કુદરતી જળસ્ત્રોત રુંધવાના, વૃક્ષોની નિર્મમ હત્યા રોકવામાં નહીં આવે તો આપણે ભવિષ્યની પેઢી માટે કંઈ સિલક જ બાકી નહી રાખી શકીએ.

પર્યાવરણ- કુદરત- નેચર ઉપર ચોમેરથી દબાણ છે જ.. એવામાં યુક્રેન પર રશિયાના ઉન્માદી આક્રમણને લીધે સ્થિતિ વધુ ખરાબ થવાનો ભય સર્જાયો છે. આ લખાય છે ત્યારે યુદ્ધ ચાલુ છે. રશિયન હુમલામાં યુક્રેનના શ્રેણીબદ્ધ શહેરો ખંડેર બન્યા છે. હજારો ટન દારૂગોળો, મિસાઈલ, વેક્યુમ બોમ્બ, મોર્ટાર, રાઈફલ સહિતના ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ થયો છે.

આખરે તો એ કુદરત ઉપર જ ભારે પડવાનું. પુતિનના યુદ્ધખોર માનસ અને ઝેલેન્સ્કીના જીદ્દી પ્રતિકારને ભવિષ્યમાં કદાચ માનવ સભ્યતા માફ કરી દેશે, પણ પ્રકૃતિ નષ્ટ થઈ રહી છે. કિરણોત્સર્ગ, દારૂગોળા પ્રેરિત ધુમાડાનાં વાદળો, ભીષણ આગમાંથી ઉત્પન્ન થતી ગરમી, આ બધું ભૂલી નહીં શકાય. સૃષ્ટિ માફ નહીં કરે.

પર્યાવરણે તેની મોટી કિંમત ચૂકવવી પડશે અને એના માઠાં પરિણામ આખી દુનિયાએ ભોગવવા પડશે વિજ્ઞાનીઓ આવી ચેતવણી આપી રહ્યા છે. કલાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલના એક સભ્ય અને યુક્રેનના અગ્રણી વિજ્ઞાની ડો. સ્વેતલાના ફેકોવાસ્કા કહે છે કે, જળવાયુ પરિવર્તનની ખરાબ અસરો અટકાવવા માટેના પ્રયત્નોની બારી આ યુદ્ધથી બંધ થઈ છે.

પર્યાવરણના વિનાશની અસર ખેતી-બાગાયત ઉપર પડી રહી છે કેમ કે દરેક પ્રદેશ- પ્રાંત માટેનું ઋતુચક્ર નિશ્ચિત હતું, એ હવે ઉલટ- સુલટ થવા લાગ્યું છે.યુરોપમાં કોફી, બદામ, ટમેટાના પાકને નુકસાન થયું છે ઈટાલી યુરોપનો સૌથી મોટો ટમાટા ઉત્પાદક દેશ છે.

દર વર્ષે સરેરાશ ૬૦ થી ૭૦ લાખ મેટ્રિક ટન ટમાટરનો પુરવઠો પુરો પાડે છે, પરંતુ વાતાવરણ બદલાવને લીધે ગયા વર્ષે તેમાં ૧૯ ટકા ઘટાડો નંધાયો. ઈટાલીમાં પશુપાલન વિસ્તરવા સાથે તેના ખોરાક-ચારા માટે વનો કપાવા લાગ્યા છે. પરિણામે ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન ખરાબ થઈ ગયું છે. વિશ્વના વિજ્ઞાનીઓ સ્પષ્ટ ચેતવણી આપે છે કે આપણેમાનવીઓ પાસે ર૦૪૦ સુધીનો સમય છે કે, જળવાયુ પરિવર્તનનું ચક્ર બદલે (સ્થિતિ સુધારે) અન્યથા એ પછી આપણા હાથમાં કંઈ નહી રહે.

ઉપાય એક જ છે, આપણે બદલાવું પડશે. નીતિગત ફેરફાર કરવા પડશે. પરિવર્તન સાથે કદમ મિલાવવા પડશે. આપણા પૂર્વજાેએ હજારો પેઢીઓ સચવાઈ એવું વારસામાં આપ્યું છે. આખી દુનિયાની વિશિષ્ટતા, કુદરતી પહાડો, પાણી-નદીઓ, જંગલો, જીવસૃષ્ટિની આપણને ભેટ મળી છે. અગાઉની પેઢીએ જે રીતે સાચવીને આગળ વધાર્યું એવું આપણે નથી કરી શકતા.

દિવંગત વરિષ્ઠ પત્રકાર મહિમ પાંધીએ તેમના એક લેખમાં આ સંદર્ભમાં સંત કબીરને ટાંક્યા છે. કબીર કહી ગયા છે ‘જ્યું કી ત્યુ ઘર દીની ચદરિયા !’ આપણા પૂર્વજાે પૃથ્વીની ચાદર સાચવીને વાપરી અને જેમની તેમ વારસદારોને સોંપી, પણ આપણે તો ‘સો ચાદર સુરનીર મુનિ ઓઢિન, ઓઢ કે મૈલી કીની ચદરિયા..! એ ન્યાયે સૃષ્ટિને મલિન કરી રહ્યા છીએ.

જાણે કે, આ પેઢી માટે જ સૃષ્ટિ છે. આવતી પેઢી માટે નહી ! આપણે પ્રાકૃતિક સ્ત્રોતોનો માત્ર ઉપયોગ જ નથી કરતા. તેનો ભયાનક બગાડ કરીએ છીએ અને સાથે સાથે એ સ્ત્રોતોને એટલી હદે પ્રદુષિત કરીએ છીએ કે, આવતી પેઢીઓનું જીવન દુષ્કર બની જાય..! માનવજાતે તેના ઈતિહાસમાં આવી બેજવાબદારી પૂર્વે કદાચ કદી નહીં બતાવી હોય.

વિજ્ઞાનીઓ ચેતવણી આપતા રહે છે અને દુનિયા પોતાની મસ્તીમાં ધાર્યું કરતી રહે છે. વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ જળ દિવસ ઉજવાય એનો અર્થ સરવો જાેઈએ. સંસાધનો અને સ્ત્રોતો વિવેકપૂર્વક વાપરવાના બદલે તેનો આડેધડ ઉપયોગ કરીને આપણે વિશ્વને વિનાશ તરફ ઘસડી જઈ રહ્યા છીએ.

આપણે ભૂમિ, જળ અને વાયુને આપણી દોષપૂર્ણ રહેણીકરણીના લીધે એટલાં પ્રદુષિત કરી મૂક્યાં છે કે, આવતા વર્ષોમાં સ્વચ્છ પાણી અને હવા માટે ફાફા મારવા પડશે. પર્યાવરણ સાથે સુસંગત એવી એન્વાયરર્મેન્ટ ફ્રેન્ડલી આપણી જીવનરીતિ હતી. પશ્ચિમના મોહના કારણે આપણે કાળની કસોટી પર ખરી ઉતરેલી જીવન પદ્ધતિ છોડી દીધી અને ઉપયોગના સ્થાને ઉપભોગની સંસ્કૃતિ (!) અપનાવી, તેમાં આ સ્થિતિના મૂળ રહેલાં છે. ત્યાગીને ભોગવવાની આપણી પરંપરા રહી છે. આપણે એ પરંપરાને જ ત્યાગી દીધી અને ઉપભોગની વિભાવના સ્વીકારી લીધી.

પર્યાવરણ અને ઋતુચક્રને નષ્ટ થતાં બચાવશે કોણ ? તેનો જવાબ છે વૃક્ષો, પણ કાળાં માથાના માનવીથી માંડી અને પશુ-પંખી સહિત સમસ્ત જીવસૃષ્ટિ માટે જીવનની જડીબુટ્ટી સમાન વનના વિસ્તારોને ભારતમાં ઘસારો લાગવા માંડ્યો છે. વન સર્વેક્ષણ સંસ્થાના એક તાજા અહેવાલમાં એવો ચિંતાજનક ખુલાસો કરાયો છે કે, હિન્દુસ્તાનમાં આખા ઉત્તરપ્રદેશ રાજયના ક્ષેત્રફળ જેટલું જંગલ ક્ષેત્ર લાપતા છે. દેશમાં ર.પ૯ કરોડ હેકટર જેટલી મહાકાય ભૂમિની આ વાત છે.

લાપતા વનનો આ આંકડો મામૂલી ન ગણાય. અનેક ગંભીર સવાલ સામે ઉભા છે. એક તો શું આ વનભૂમિ મૌજુદ પણ છે કે નથી અથવા શું આ વિશાળ ભૂભાગ પર દબાણ કરી લેવાયું છે, શું આ જમીન ઉજ્જડ થઈ ચૂકી છે, એ હદે બંજર કે ત્યાં ઉભેલા વૃક્ષોની ગણતરી પણ ન કરી શકાય ?…

‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં સુનિતા નારાયણ દ્વારા ‘સૃષ્ટિની સંજીવની’ સમાન ભારતનાં વનો, હરિત આવરણ પર રસપ્રદ વિશ્લેષણ કરાયું છે. હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ એજન્સીએ ચારેક દાયકા અગ)ઉ ઉપગ્રહ તસવીરોની મદદથી ભારતના હરિત આવરણ પર એક અહેવાલ તૈયાર કર્યો હતો.

જેમાં ૧૯૭ર-૭પ અને ૧૯૮૦-૮ર દરમ્યાન વનઆવરણનો તુલનાત્મક અભ્યાસ કરાયો હતો. અભ્યાસ અનુસાર એ સાત વર્ષના ગાળામાં ભારતે દર વર્ષે ૧૩ લાખ હેકટર વનક્ષેત્ર ખોયું હતું. આ અનુમાન વનવિભાગના વાર્ષિક અનુમાનથી વધુ હતું, જેમાં પહેલીવાર આકાશમાંથી દેશની ધરતી પર ઘટતાં વન આવરણનું ચિત્ર રજૂ કરાયું.

ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ર૦ર૧’ ૧૩મી જાન્યુઆરી, ર૦રરના દિવસે જારી કરાયો, જેમાં ર૦૧૯ અને ર૦ર૧ દરમ્યાન વન આવરણમાં ૧.૬ લાખ હેકટર (૦.ર ટકા)નો મામૂલી વધારો દેખાડાયો છે, તો વનોની ગુણવતા પર સ્થિર બતાવાઈ છે. એ હદે કે, ‘અતિસઘન’ વનોની શ્રેણી (૭૦ ટકાથી વધુ વિતાન આવરણ) અને ખુલ્લા વનની સાથે ‘મધ્યમ’ વનની શ્રેણીમાંયે વધારો બતાવાયો છે.

વર્ષ ર૦૧૯થી ર૦ર૧ વચ્ચે નોંધાયેલા વનક્ષેત્રમાં વન આવરણમાં નગણ્ય વધારો થયો, જયારે બહારનો વધારો મુખ્યત્વે ખુલ્લા વનોના કારણે ૦.૭૬ ટકા છે. વર્ષ- ર૦ર૧માં ભારતનું કુલ વનઆવરણ વધીને ૭.૧૩૮ કરોડ હેકટર થઈ ગયું, જે દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રફળના રર ટકા છે.

અતિસઘન વન લગભગ ૧ કરોડ હેકટર, મધ્યમ અને ખુલ્લા વન લગભગ ૩-૩ કરોડ હેકટર એટલે કે, નવ ટકા છે. ભારતમાં વનોની સ્થિતિના આ તાજા અહેવાલ અનુસાર, લગભગ ર૮ ટકા વન આવરણ રેકોર્ડેડ ફોરેસ્ટ ક્ષેત્રની બહાર છે. લગભગ ૧ર ટકા અતિ ગાઢ જંગલ પણ નોંધાયેલા વનક્ષેત્રની બહાર છે. જંગલોની સ્થિતિ બગડે એ ગંભીર ચિંતાનો વિષય છે. સૃષ્ટિને મહાસંકટમાંથી ઉગારવાની આપણી સૌની ફરજ છે એ રખે ભૂલાતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon