Western Times News

Gujarati News

ગુજરાતના કાંઠે છેલ્લાં ૬ હજાર વર્ષમાં ત્રણ વાર સુનામી આવી

અમદાવાદ, ગુજરાત ભારતના નક્શામાં એવી જગ્યા પર સ્થાન ધરાવે છે જે અનેકવાર કુદરતી આફતોનો સામનો કરતુ રહે છે. ગુજરાતે અત્યાર સુધી અનેક કુદરતી આફતો જાેઈ છે, તેમાંથી હેમખેમ બેઠુ થયુ છે. દરેક આફતોનો સામનો ગુજરાતે કર્યો છે.

ત્યારે ગુજરાતે એક નહિ, ત્રણ સુનામીનો સામનો કર્યાનો પુરાવો સામે આવ્યો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જે સરવે કરાયો તેમાં જાણવા મળ્યુ કે, ગુજરાતના કાંઠે છેલ્લાં ૬ હજાર વર્ષમાં ૩ વાર સુનામી આવી છે. આ સુનામી ભૂકંપ બાદ આવી છે.

ગુજરાતમા ભૂકંપના આંચકા આવવા રોજની વાત છે, પણ સુનામી સાંભળીને આંખો પહોળી થઈ જાય. કોઈને માનવામાં નહિ આવે કે ગુજરાતે પણ સુનામીનો સામનો કર્યો હતો. એ પણ એકવાર નહિ, ત્રણ વાર.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચનો છેલ્લા સાત વર્ષનો અભ્યાસ કહે છે કે, છેલ્લાં ૬ હજાર વર્ષોમાં ગુજરાતના દરિયાકાંઠે ૩ વાર સુનામી ટકરાયુ છે. આમ, તો સુનામી દર એક હજાર વર્ષ બાદ નોંધાતુ હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લાં ૨૭ નવેમ્બર, ૧૯૪૫ ના રોજ સુનામી અનુભવાયુ હતું.

ભૂકંપ બાદની સુનામીએ માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન, ઈરાન, ઓમાન જેવા દરિયાઈ પાડોશી દેશોને પણ અસર કર્યુ છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચના સાયન્ટિસ્ટ ડો.સિદ્ધાર્થ પ્રિઝોમવાલા અને તેમની ટીમે આ રિસર્ચ કર્યુ છે.

આ ટીમ સાત વર્ષથી ગુજરાતના દરિયા કાંઠે રિસર્ચ કરી રહી છે અને સુનામીના પુરાવા એકત્ર કરી રહી છે. જેનુ તારણ પણ રસપ્રદ છે. રિસર્ચમાં સામે આવ્યુ કે, અરબી સમુદ્રમાં દર એક હજાર વર્ષમાં મોટી સુનામી આવતી જ હોય છે. જેની અસર દરિયા કાંઠાના રાજ્યોને થતી હોય છે.

ગુજરાતમાં જે સુનામી આવ્યું તેમાં દરિયા કાંઠે મોજા ઊંચે ઉછળ્યા હતા. ચોરવાડ અને દીવના દરિયા કિનારે તેની અસર જાેવા મળી હતી, ૧૪ થી૧૫ ટનના મહાકાય પત્થરો દરિયામાથી નીકળીને દરિયાકાંઠે ટકરાયા હતા.

તો ઈ.સ.૧૦૦૮ માં જે સુનામી આવી હતી, તેમાં કચ્છના કોટેશ્વર મંદિર, માંડવી અને મુન્દ્રા સુધીના ૨૫૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠે દરિયાઇ રેતીની ચાદર પથરાઇ હતી. લગભગ ૩૦૦ થી ૪૦૦ મીટર સુધીના જમીન વિસ્તારમાં દરિયાઈ રેતી ધસી આવી હતી.

તો છેલ્લે ૨૭ નવેમ્બર, ૧૯૪૫ના વર્ષે જે સુનામી આવી હતી, તે ભૂકંપની કારણે આવી હતી. મકરાન સબડક્શન ઝોનમાં ૭.૮ ની તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી ઉઠી હતી. જેમાં દરિયાના કિનારે ૯ મીટર સુધી મોજા ઉછળ્યા હતા. ઓખા-પિંડારાના કાંઠેથી ૬૦૦ મીટર અંદર સુધી દરિયાઇ રેતી ધસી આવી હતી. છેક મુંબઇ સુધી તેની અસર જાેવા મળી હતી. મુંબઇના દરિયાઇ કાંઠે પણ ૨ મીટર ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.