Western Times News

Gujarati News

ચોકલેટ ખાધા બાદ બાળકોનાં મોતમાં સ્નિફર ડોગે પગેરું કાઢ્યું

કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં દિલીપનગર ગામના સિસઈ લઠઉર ટોલા ખાતે બુધવારે એક જ પરિવારના ૪ બાળકોના શંકાસ્પદ મોત થવાથી હાહાકાર મચી ગયો હતો. બાળકોએ ઘર બહાર પડેલી ચોકલેટ ખાધી ત્યાર બાદ તેમના મોત થયા હતા અને પોલીસે તેમના પિતા રસગુલની ફરિયાદના આધારે ૩ વ્યક્તિ વિરૂદ્ધ હત્યાના પ્રયત્ન સહિતની અનેક ગંભીર કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં સ્નીફર ડોગ્સની નિશાનદેહી પર ૩ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સાથે જ ફુડ સેફ્ટી ટીમ અને ફોરેન્સિક ટીમે તે સ્થળની તપાસ કરી હતી જેમાં અનેક ચોંકાવનારી વાત સામે આવી છે. તપાસ ટીમના લોકોએ જણાવ્યું કે, ચોકલેટના રેપર પર બેસનારી અનેક માખીઓ પણ મરી ગઈ છે.

તપાસ ટીમે ઘટના સ્થળેથી અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે. પરિવારજનોના કહેવા પ્રમાણે ૨ વર્ષ પહેલા પણ આ પ્રકારનું કાવતરૂં રચવાનો પ્રયત્ન થયો હતો. રસગુલે જણાવ્યું કે, આરોપીત એવા ત્રણેય લોકોએ દારૂના નશામાં તેના પરિવારને ખતમ કરવાની વાત કરી હતી.

મૃતક બાળકોના પરિવારજનોએ ૩ લોકો વિરૂદ્ધ આશંકા દર્શાવી છે જેમને કસ્ટડીમાં લઈને પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઘટનાની વિગતો પ્રમાણે રસગુલને બુધવારે સવારે પોતાના ઘરની બહારથી એક પોટલીમાં ચોકલેટ ઉપરાંત ૧-૧ રૂપિયાના ૯ સિક્કા મળી આવ્યા હતા. તેણે ચોકલેટ ઘરમાં મુકી હતી જે તેની પત્નીએ બાળકોને ખાવા માટે આપી દીધી હતી.

ચોકલેટ ખાધા બાદ રસગુલના ૩ બાળકો અને તેની બહેનનો ૫ વર્ષનો દીકરો સૌ બેભાન થઈ ગયા હતા. બાળકોની હાલત ગંભીર હોવાથી ડોક્ટરે તેમને જિલ્લા હોસ્પિટલ માટે રિફર કર્યા હતા અને રસ્તામાં જ તેમના મોત થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.