Western Times News

Latest News from Gujarat

પંચમહાલમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનું સ્વાગત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ?

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જાેયેલા એ રંગોત્સવની અદ્‌?ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. ગ્રંથોમાં ઠેર ઠેર શ્રી સ્વામિનારાયણ ભગવાનના રંગોત્સવોનું અદ્‌ભુત દર્શન માણવાં મળે છે.

આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. ‘હરિચરિત્રામૃતસાગર’ ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ સ્વામિનારાયણ ભગવાને ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય પરંપરાના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ રંગપંચમીની પૂર્વ સંધ્યાએ તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે પધારતા રંગપંચમી – ફુલદોલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

પંચમહાલ – દાહોદ – મહીસાગર જિલ્લાના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઢોલ નગારા સાથે ફાગ ગીતો – સત્સંગ કીર્તનો ગાઈને સ્વાગત તૈયારી કરી રહ્યા હતા…અને સંધ્યા ટાણે આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ પધાર્યા.

શ્રી યોગપ્રિયદાસજી સ્વામીએ કેસૂડાંનો પુષ્પહાર પહેરાવી કૃતકૃત્યતા અનુભવી હતી. કીર્તન – ઢોલના તાલે સહુ કોઈ નાચતા ઝૂમતા મંદિરમાં આવ્યા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શન કરી સંધ્યા આરતી ઉતારી હતી. કીર્તન ભક્તિ અને કથાવાર્તા વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમ બાદ સંતો અને હરિભકતોએ વિશાળ ધાણી તથા કેસૂડાંનો પુષ્પહાર પહેરાવીને ધન્યભાગ્ય બન્યા હતા. સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને પૂજનીય સંતોને પણ કેસૂડાંનાં પુષ્પોનાં હાર પહેરાવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon