ઘેટા બકરા ચરાવતા માલધારી પરિવારની મહિલા રાત્રીના સમયે અચાનક ગુમ થઈ
છાપરામાંથી ગુમ થયેલી મહિલાને ખેરવા ગામેથી હેમખેમ શોધી કઢાઈ
મેઘરજ, મેઘરજના બીટી છાપરા ગામમાં પથારો નાખી રહેતા અને ઘેટા બકરા ચરાવતા માલધારી પરિવારની ૩પ વર્ષિય મહિલા ૧૦ દિવસ અગાઉ રાત્રીના સમયે અચાનક ગુમ થઈ હતી.
મહિલાના પતિ અને પરિવારજનોએ આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવા છતાં મહિલાનો અત્તો-પત્તો ના લાગતા પરિવારજનો ઈસરી પોલીસ સ્ટેશનમાં જાણવા જાેગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ૧૦ દિવસ પછી યુવતીને મહેસાણાના ખેરવા ગામેથી તેના સંબંધીના ઘરેથી હેમખેમ શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરી હતી.
મેઘજરના બીટી છાપરા ગામે પથારો નાખી રહેતા પરિવારના યુવકની ૩પ વર્ષીય મહિલા ગુમ થતાં ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઈસરી પીએસઆઈ દેસાઈ અને તેમની ટીમે ગુમ મહિલાને મહેસાણાના ખેરવા ગામે તેના માસાના ત્યાંથી શોધી કાઢવામાં સફળ રહેતા હાશકારો અનુભવ્યો હતો.
ઈસરી પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થનાર મહિલાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી પરિવાર છોડી તેના મહેસાણાના ખેરવામાં રહેતા માસાના ઘરે મહેમાન તરીકે રહેતી હોવાની માહિતી પ્રાપ્ત થતા ઈસરી પોલીસ ખેરવા પહોંચી ગુમ મહિલાને ઈસરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ગોપાલભાઈ તેમજ રમેશભાઈ અને મહિલા પોલીસ કર્મી દ્વારા લઈ આવી પરિવારજનોને સુપ્રત કરી હતી પરિવારજનોએ ઈસરી પોલીસની કામગીરીની સરાહના કરી હતી.