Western Times News

Gujarati News

પેટલાદની પ્રજા ઉપર ૭૦ લાખના વેરાનો બોજ વધ્યો: ૮૧.૬૩ લાખની પુરાંતવાળુ બજેટ મંજૂર

પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા ગતરોજ નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩નુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષનું ?૮૧.૬૩ લાખની પુરાંતવાળુ આ બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ સાથે અન્ય કેટલાક કામો હાથ ઉપર લેવામાં આવ્યા હતા. જે અન્વયે નગરજનો ઉપર દિવાબત્તી વેરા દાખલ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં નગરજનો ઉપર અંદાજીત રૂ.૭૦ લાખના આ વેરાનો બોજ વધવાનો અંદાજ હોવાનું જાણવા મળે છે. આ અંગે વિપક્ષ દ્વારા સુધારો રજૂ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૫ માર્ચના રોજ પેટલાદ પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતીમાં બપોરે ચાર કલાકે પાલિકાના સભાખંડમાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટમાં જણાવ્યા મુજબ રૂ.૮૧.૬૩ લાખની પુરાંતવાળા આ બજેટની આંકડાકીય માહિતી જાેતાં ચાલુ વર્ષે કરવેરાની આવકમાં વધારો થયો છે. જ્યારે બીજી તરફ બજારભાડા સહિતની કેટલીક આવકમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. ગત વર્ષોમાં પાલિકા દ્વારા ચારેક નવા શોપિંગ સેન્ટરો બનાવ્યા હોવા છતાં સુખડીની આવક શૂન્ય થઈ ગઈ છે.

કારણકે મોંઘાદાટ શોપિંગ સેન્ટરો બનાવી માત્ર અગિયાર મહિનાના ભાડા કરારથી નવી તમામ દુકાનો આપી દિધી હોવાના કારણે પાલિકાને આર્થિક રીતે ખૂબ મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. નગરપાલિકાની જુદી જુદી આવકોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના કારણે આર્થિક સ્થિતી કથળી રહી છે. જેને પહોંચી વળવા બજારભાડાનો ઈજારો આપવા, દિવાબત્તી વેરા દાખલ કરવા, વાહન વેરો ઉઘરાવવા જેવા અનેક કામો હાથ ઉપર લેવામાં આવ્યા હતા.

જેને કારણે આગામી નાણાંકીય વર્ષમાં આવક વધવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જાે કે અંદાજપત્રમાં આરોગ્ય, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપ લાઈનના રિપેરીંગ જેવા આવશ્યક કામો માટે બજેટમાં કોઈ જ જાેગવાઈ કરવામાં આવી નથી. રજૂ થયેલ બજેટ મુજબ નોંધપાત્ર બાબત એ પણ છે કે

કરોડોના ખર્ચે તૈયાર કરેલ ઘનકચરા પ્લાન્ટ તરફથી કોઈ જ આવક મળતી નથી કે મળવાનો અંદાજ પણ નથી. જ્યારે તેની સામે શહેરમાંથી કચરો ઉઠાવવા પાછળ વર્ષે દોઢ કરોડ જેટલી માતબર ખર્ચે થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. થોડા સમય અગાઉ રોજમદારો તથા હંગામી કર્મચારીઓના પગાર મામલે હડતાળ સાથે હલ્લાબોલ થયો હતો.

કારણકે પાલિકાનું મહેકમ ૪૮ ટકાના બદલે ૭૮ ટકાએ પહોંચી જવાના કારણે પાલિકાની આર્થિક સ્થિતી વિકટ બની હતી. જેથી વર્તમાન ચીફ ઓફિસરે બિનજરૂરી સ્ટાફ ઓછો કરવા તથા કેટલાક હંગામી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું.

છતાં આ બજેટમાં આગામી નાણાંકીય વર્ષં માટે રોજમદાર પગાર પાછળ વર્ષે પચાસ લાખ જેટલો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત માનદ વેતન, એપ્રેન્ટીસ સ્ટાઈપેન્ડ, ડ્રાઈવરના પગાર, પ્લાનીંગ આસી. પગાર વગેરે પાછળ પણ રૂ.૬૦ લાખના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

આમ આગામી નાણાંકીય વર્ષના બજેટ દ્ધારા રૂ.૮૧.૬૩ લાખની પુરાંત રહેવાનો અંદાજ છે. જે સામે અનેક આર્થિક પડકારોનો સામનો પાલિકાને આગામી વર્ષ દરમ્યાન રહેવાની ચર્ચાનો ગણગણાટ પાલિકા કેમ્પસમાં ચાલી રહ્યો છે. આ સાધારણ સભામાં કાર્યસૂચી મુજબ કામ નં.૭ દ્ધારા દિવાબત્તી વેરા દાખલ કરવાનું કામ રજૂ કરવામાં આવ્યું હતું.

જે સંદર્ભે વિપક્ષના અપક્ષ સભ્ય દિપાલીબેન શાહ તથા રિફાકતખાન પઠાણે સુધારા સાથે રજૂઆત કરી હતી કે હાલ પ્રજા કોરોનાની મહામારીમાં થી બહાર નીકળી રહી છે. બીજી તરફ અસહ્ય મોંઘવારીનો સામનો પણ પ્રજા કરી રહ્યા છે. તેવામાં જાે આવા વધારાના વેરા દાખલ કરવામાં આવે તો પ્રજાની કમર તૂટી જશે.

જેથી એક વર્ષ પૂરતું આ વેરા દાખલ ના કરવા જાેઈએ. આ અંગે સત્તાપક્ષના સેનેટરી ચેરમેન સુનિલ પટેલે જણાવ્યું હતું કે દિવાબત્તી વેરા પેટે મિલકત દિઠ વાર્ષિક માત્ર રૂ.૩૬૦/- લેવાના છે. એટલેકે દૈનિક માત્ર એક રૂપિયો જ થાય છે, જે યોગ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક તથા કોમર્શિયલ મિલકતો આશરે વીસ હજાર જેટલી છે. ગતરોજની સભામાં રજૂ થયેલ બજેટ તરફે સત્તા પક્ષ ભાજપના ૨૦ તથા અપક્ષના દિપાલીબેન શાહ, રિફાકતખાન પઠાણ તથા ગુલામ દસ્તગીર વ્હોરાએ મતદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.