દિવાલમાં ફોટા પાછળ ગુપ્ત ખાનામાં વિદેશી દારૂનો સંગ્રહ
 
        | નિકોલ- નારોલ રોડ પર એક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો | 
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂબદીના કડક અમલ માટે પોલીસતંત્ર સક્રિય બનેલુ છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણ ગરમાતા રાજયભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરમાં બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે.
આ દરમિયાનમાં ગઈકાલે બપોર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે શહેરના નારોલ- નિકોલ રોડ પર બુટલેગરે પોતાના ઘરમાં જ દિવાલની અંદર ગુપ્ત રીતે બનાવવામાં આવેલા ખાનાઓમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી છે જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઈ ગયો છે. ઘરની અંદર ફોટાની પાછળ બનાવવામાં આવેલા ગુપ્ત ખાનાઓ પોલીસે શોધી કાઢયા હતા. બુટલેગરની આ મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂબંધીના અમલ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસતંત્રની અન્ય એજન્સીઓ પણ સતર્ક બનેલી છે. નામચીન બુટલેગરો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત દારૂબંધીના કડક અમલમાં સ્થાનિક પોલીસ જવાબદાર મનાશે તો તેના પર પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.

આ દરમિયાનમાં ગઈકાલે બપોરે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અને શહેરમાં પ્રવેશતા માર્ગો પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાનમાં સેલના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈને ચોકકસ બાતમી મળી હતી કે નારોલ-નિકોલ રોડ પર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતો બુટલેગર વિદેશી દારૂનો ધંધો કરી રહયો છે. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ ગોઠવી હતી.
તપાસ કરતા માલુમ પડયુ હતું કે ખોડલધામ સોસાયટીમાં રહેતો પૃથ્વીસિંહ ઉર્ફે મુન્નો નરસિંહભાઈ ઝાલા નામનો શખ્સ પોતાના ઘરમાંથી વિદેશી દારૂનું છુટક વેચાણ કરી રહયો છે. તપાસ દરમિયાન બાતમી સાચી જણાતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખોડલધામ સોસાયટીમાં રહેતા પૃથ્વીસિંહના ઘર પર દરોડો પાડયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો ત્યારે પૃથ્વીસિંહ તેના ઘરમાં હાજર હતો અને સૌ પ્રથમ તેને ઝડપી લઈ પુછપરછ શરૂ કરી હતી. પ્રારંભમાં પોતે નિર્દોષ હોવાનું જણાવતો હતો ત્યારબાદ અધિકારીઓએ સમગ્ર ઘરની તલાશી લેવાની શરૂ કરી હતી.
જાકે ઘરમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી ન હતી. જેના પરિણામે સેલના અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. બાતમી સાચી હોવા છતાં ઘરમાંથી વિદેશી દારૂની ન મળતા અધિકારીઓ સતર્ક બન્યા હતાં આ દરમિયાનમાં ઘરમાં આવેલા ડ્રોઈંગ રૂમની અંદર કેટલાક ફોટાઓ લગાડેલા હતાં આ ફોટા જાતા જ અધિકારીઓને શંકા ગઈ હતી.
જેથી તેમણે સ્ટાફના સભ્યોને ફોટા હટાવવાનું કીધુ હતું. ફોટા હટાવતા જ અંદરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. પૃથ્વીસિંહે આ ફોટાઓની પાછળ ખાના બનાવ્યા હતા અને તે ખાનાની અંદર તપાસ કરતા એક પછી એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ડ્રોઈંગ રૂમમાંથી ૪૯ જેટલી બોટલો ખાનામાંથી બહાર કાઢી હતી.
ડ્રોઈગ રૂમમાંથી ગુપ્ત બનાવેલા ખાનામાંથી બોટલો મળ્યા બાદ અધિકારીઓએ ઘરની અંદર અન્ય રૂમોમાં લગાવવામાં આવેલા ફોટાઓ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં બેડરૂમમાં પણ ફોટાઓની પાછળ ગુપ્ત ખાના બનાવેલા જાવા મળ્યા હતાં અને તેમાંથી પણ વિદેશી દારૂની સંખ્યાબંધ બોટલો મળી આવી હતી.
બુટલેગરની આ મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને પૃથ્વીસિંહની ધરપકડ કરી તેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. પુછપરછમાં પૃથ્વીસિંહે કબુલ્યુ હતું કે તે છેલ્લા કેટલાક દિવસથી દારૂનું છુટક વેચાણ કરતો હતો પરંતુ તેના ઘરે જ વસ્ત્રાલમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ નામનો શખ્સ તેની જ કારમાં આવી આ દારૂનો જથ્થો આપી જતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે આ અંગે તાત્કાલિક મુખ્ય સુત્રધાર રાજેન્દ્રને ઝડપી લેવા માટે વસ્ત્રાલમાં તપાસ શરૂ કરી હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.
આ અંગે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ જાતે જ ફરિયાદી બન્યા હતા અને આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહયા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે સરદારનગરમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો એફ રોડ ભીલવાસમાં લોકેશ ચંદ્રકાંતભાઈના મકાનમાં છેલ્લા એક મહિનાથી ભાડે રહેવા આવેલો પવન ઉર્ફે શેરુ નામનો શખ્સ ઘરેથી વિદેશી દારૂનું છુટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યુ હતું
જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગઈકાલે સાંજે સરદારનગર ભીલવાસમાં રેડ પાડી હતી જેમાં રૂ.૭૦ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ પવન ઉર્ફે શેરુની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે.

 
                 
                 
                