Western Times News

Gujarati News

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સનો વિજય

નવી દિલ્હી, કેપ્ટન સંજૂ સેમસનની તોફાની અડધી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-૨૦૨૨માં પોતાની પ્રથમ મેચમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રોયલ વિજય નોંધાવ્યો છે.

મંગળવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સનો ૬૧ રને વિજય થયો હતો. હૈદરાબાદે ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૦ રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૯ રન જ નોંધાવી શકી હતી. ટીમ માટે એઈડન માર્કરામે અણનમ ૫૭ રનની ઈનિંગ્સ રમી હતી. ૨૧૧ રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની ટીમનો ધબડકો થયો હતો. રાજસ્થાનના બેટર્સ પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ જનારી હૈદરાબાદની ટીમના બેટર્સ રાજસ્થાનના બોલર્સ સામે ઘૂંટણીયે પડી ગયા હતા. ટોચના ચાર બેટર્સમાંથી બે બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

સુકાની કેન વિલિયમ્સન બે રન અને અભિષેક શર્મા નવ રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. હૈદરાબાદે નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને બાદમાં ૩૭ રનમાં તો અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

અબ્દુલ સમદ ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. આમ ટોચના છ બેટર્સમાં પાંચ બેટર્સ બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. હૈદરાબાદ માટે એઈડન માર્કરામ અને વોશિંગ્ટન સુંદરે આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તેમની આ બેટિંગ ટીમને કારમા પરાજયથી બચાવવા માટે પૂરતી ન હતી. વોશિંગ્ટન સુંદરે ૧૪ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૦ રન ફટકાર્યા હતા.

જ્યારે માર્કરામ ૪૧ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૭ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાન માટે યુઝવેન્દ્ર ચહલે ત્રણ તથા ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેસ બટલર અને યશસ્વી જયસ્વાલની જાેડીએ ટીમને તાબડતોબ શરૂઆત અપાવી હતી.

આ જાેડીએ પ્રથમ વિકેટ માટે ૬.૧ ઓવરમાં ૫૮ રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલ ૨૦ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે બટલરે ૨૮ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે ૩૫ રન ફટકાર્યા હતા. બાદમાં બેટિંગમાં આવેલા કેપ્ટન સંજૂ સેમસને તોફાની બેટિંગ કરી હતી.

સામે છેડે તેને દેવદત્ત પડિક્કલનો ભરપૂર સાથ મળ્યો હતો. બંનેએ બેટરે ભેગા મળીને હૈદરાબાદના બોલર્સની ધોલાઈ કરી હતી. સંજૂ સેમસન વધારે આક્રમક રહ્યો હતો અને તેણે ૫૫ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. સેમસને ૨૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. જ્યારે આ જાેડીએ ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. પડિક્કલે ૨૯ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૧ રન ફટકાર્યા હતા. અંતિમ ઓવર્સમાં શિમરોન હેતમાયરે ૧૩ બોલમાં ૩૨ રન નોંધાવ્યા હતા જેમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી.

રિયાન પરાગે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે ઉમરાન મલિક અને ટી નટરાજને બે-બે તથા ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.