Western Times News

Gujarati News

પીપળજ-પીરાણા રોડ પર આવેલા કાપડનાં ગોડાઉનમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગી

દોઢ કલાક સુધી લાખો લિટર પાણીનો મારો મારીને આગ કાબૂમાં લીધી

અમદાવાદ, શહેરના પીપળજ-પીરાણા રોડ પર અવારનવાર ફેક્ટરીઓમાં આગના બનાવો બની રહ્યા છે ત્યારે આજે વહેલી પરોઢે કાપડના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

ફાયરબ્રિગેડ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને લાખો લિટર પાણીનો માર મારીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ ફાયરબ્રિગેડના અધિકારીઓનું માનવુ છેકે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોઇ શકે છે. એફએસએલની ટીમ તપાસ કરશે બાદમાં આગનું કારણ જાણી શકાશે.

પીપળજ-પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામનું કાપડના ગોડાઉન આવેલુ છે. જેમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી.

કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ એટલી ઝડપથી પ્રસરી ગઇ કે જાેતજાેતામાં આખું ગોડાઉન આગની ઝપટમાં આવી ગયુ હતું. આગ લાગતાની સાથે જ આસપાસના રહીશોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી દીધી હતી. ફાયરબ્રિગેડે કાપડના અંદાજે ૫૦૦ ટન જથ્થામાં લાગેલી આગ ગણતરીના કલાકોમાં કાબૂમાં લઇ લીધી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા હાલ ગોડાઉનમાં કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, વહેલી પરોઢે કોલ મળ્યો હતો કે પીપળજ-પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામનાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે.

ઘટનાની ગંભીરતા સમજીને એક ફાયર ફાઇટર, આઠ ગજરાજ સહિત ૧૩ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ૨૪ ફાયરમેને લાખો લિટર પાણીનો મારો મારીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગ વધુ પ્રસરે નહીં તે માટે જેસીબીની મદદથી કાપડનો જથ્થો દૂર કરવામા આવ્યો હતો જ્યારે પોલીસ અને એફએસેલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયરબ્રિગેડે ચાર જગ્યાએથી વોટરકેનોન લાઇન બનાવી દોઢ કલાકમાં વિકરાળ આગને કાબૂમાં લઇ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.