Western Times News

Gujarati News

સરકારી સેવામાં નિમણુક પામેલા ૧૧૧૬ જેટલા અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા

(માહિતી) અમદાવાદ, અમદાવાદ સરદાધામ કેળવણી ખાતેથી તાલીમ મેળવી સરકારી સેવામાં નિમણુક પામેલા ૧૧૧૬ જેટલા અધિકારીઓના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનો જે ધ્યેય સરદારધામ કેળવણી સંસ્થાએ સેવ્યો છે એ આજે પૂરો થતો જાેવા મળી રહ્યો છે. સરદારે ચિંધેલા માર્ગ પર રાષ્ટ્ર ઘડતર માટે કાર્ય સરદારધામ કરી રહ્યું છે તેનો આનંદ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ અવસરે સરકારી સેવામાં નિમણુક પામેલા અધિકારીઓને માર્ગદર્શન આપતા ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી શબ્દ વાપર્યો છે ત્યારે આપ સૌએ હવે કર્મ કરવાનું છે અને કર્મયોગનો ભાવ તમારા કામમાં ચરિતાર્થ કરવાનો છે.

આપ સૌની પાસે આવતા દરેક નાનામાં નાના અને છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને તમારે કર્તવ્ય અને નિષ્ઠાથી દરેક કાર્યને સફળતા પૂર્વક પાર પાડવાના છે અને ગુજરાતને પ્રગતિના પંથે લઈ જવાનું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સફળ થયેલા ઉમેદવારોએ પોતાની સાફલ્યગાથા સમાજના અન્ય વિદ્યાર્થીઓને જણાવીને તેઓને પ્રેરિત અને પ્રોત્સાહિત પણ કરવા જાેઈએ.

આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સફળ થયેલા ઉમેદવારોએ સત્તા કે ખુરશીનો મોહ રાખ્યા વગર નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાના દરેક કાર્યો કરીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જાેઈએ.

જીતુભાઇ વાઘાણીએ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ૨૦૦ દિવસ પૂર્ણ કર્યા અંગેની વિગતવાર માહિતી પણ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા, સરદારધામ અમદાવાદના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા તેમજ સરદારધામ સ્થાપક ટ્રસ્ટીઓ દિલીપભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રશાંતભાઈ વાછાણી અને ગુણવંતભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.