Western Times News

Gujarati News

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટસની મુલાકાત લેશે વર્લ્ડ બેન્કની ટીમ

વર્લ્ડ બેંકની ટીમ અમદાવાદની મુલાકાત લેશે-10 દિવસ રોકાશે

(એજન્સી)અમદાવાદ, આવતીકાલથી વર્લ્ડ બેંકની ટીમ દસ દિવસ માટે અમદાવાદની મહેમાન બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટસનું આ મુલાકાત દરમ્યાન ભવિષ્ય નકકી થશે.

અલગ-અલગ વિષય ઉપર બેઠક તથા પ્રેઝન્ટેશન તેમજ સાઈટ વિઝીટ પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ કયા તબક્કા માટે માટે કેટલી લોન આપવી એ અંગેનો ર્નિણય પણ કરાશે. નોંધનીય છે કે આ પહેલા વિશ્વ બેંકે રૂ.૩૦૦૦ કરોડ જેટલી મોટી રકમની લોન એએમસી માટે મંજૂર કરી છે.

અમદાવાદ શહેરના વિવિધ પ્રોજેકટસ માટે વર્લ્ડ બેંક દ્વારા ત્રણ હજાર કરોડની લોનને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આવતીકાલ એટલે કે ૪ એપ્રિલથી ૧૩ એપ્રિલ સુધી વર્લ્ડ બેંકની ટીમ અલગ અલગ વિષયોને લઈ સ્થળ મુલાકાત લેવાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારના અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. કોર્પોરેશન તરફથી શહેરના ભવિષ્યના પ્રોજેક્ટસ સંબંધી તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે.

શહેરમાં માઈક્રોટનલ પધ્ધતિથી સુએજ તથા ડ્રેનેજ લાઈન નાંખવા ઉપરાંત ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં હાલમાં આશ્રમરોડ પર માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ પણ થઇ ગઇ છે.

હાલમાં શહેરમાં કાર્યરત એવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા બંધ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવશે. સુએજ સિસ્ટમની હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવા અંગે પણ બેઠકમાં નિષ્ણાંતોનુ માર્ગદર્શન મેળવવામાં આવશે. મળતી માહિતી મુજબ ૮ એપ્રિલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વર્લ્ડ બેંકની ટીમની એક ખાસ બેઠક યોજવામાં આવી છે.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા સહિત સંબંધિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. એએમસીની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અંગે પણ એક ખાસ સેશન કરવામાં આવશે, જેમાં નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ કયા પ્રોજેક્ટના કયા ફેઝ માટે કેટલી લોન આપવી એ અંગેનો ર્નિણય કરવામાં આવશે.

અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારને આવરી લેતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે મ્યુનિસિપલ કમિશનરે આ વર્ષના બજેટમાં ૯૦૦ કરોડની રકમની ફાળવણીની જાહેરાત કરી છે. આ રકમ પૈકી ૪૦૦ કરોડ વર્લ્‌ડ બેન્ક, ૩૦૦ કરોડ રાજ્ય સરકાર તથા ૧૦૦ કરોડ એએમસી ફાળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.