Western Times News

Gujarati News

ગગનયાન સાથેનો સંપર્ક અકબંધ રાખવા માટે 2 સેટેલાઈટ ગોઠવવામાં આવશે

અમદાવાદ, ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અમદાવાદ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ 2022 દરમિયાન ખાસ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

3જી એપ્રિલ ભારતીય ઈતિહાસમાં મહત્વનો દિવસ છે. 3જી એપ્રિલ 1984ના રોજ, વિંગ કમાન્ડર રાકેશ શર્મા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બન્યા હતા અને તેમણે સાલ્યુત 7 સ્પેસ સ્ટેશન પર 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય ગાળ્યો હતો.

અમદાવાદમાં ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC)ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે રૂ. 10,000 કરોડનું મિશન સ્પેસ મેડિસિન અને કટોકટીની સ્થિતિમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ જેવા વૈવિધ્યસભર ક્ષેત્રના ભારતીય નિષ્ણાતો માટે લગભગ તમામ ક્ષેત્રોમાં જ્ઞાનની સીમાઓને આગળ ધપાવી રહ્યું છે.

સાયન્સ સિટી ખાતે ભારતની પ્રથમ ગગનયાન આઉટરીચ ઇવેન્ટનું આયોજન કરાયુ હતું. જે મુલાકાતીઓ માટે સાત દિવસ સુધી ચાલુ રહેશે. ક્રૂ મોડ્યુલનું લાઈફ સાઈઝ મોડલ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ છે. લોન્ચ પ્રસંગે બોલતા SAC-ISROના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે ભારત આવા મિશનની યોજના કરનાર ચોથો દેશ હશે.

અમે કોઈપણ પરિસ્થિતિમાં જીવન બચાવવા માંગીએ છીએ અને ચેલેન્જર શટલ જેવી આપત્તિ ટાળવા માંગીએ છીએ. અમે મોડ્યુલ સતત સંપર્કમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીઓ પણ ઘડી કાઢી છે. તેમણે ઉમેર્યું હતું કે લગભગ 3,000 વૈજ્ઞાનિકો અને ટેકનિશિયન હાલમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

SAC ના ડેપ્યુટી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અનુરાગ વર્માએ જણાવ્યું હતું કે બે કોમ્યુનિકેશન સેટેલાઇટ 120 ડિગ્રીના અંતરે મૂકવામાં આવશે જેથી કરીને જ્યારે મોડ્યુલ ભારતના દૃષ્ટિકોણથી પૃથ્વીની પાછળ હશે ત્યારે પણ તે જોડાણ ગુમાવશે નહીં.

ઓર્બિટલ મોડ્યુલમાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલનો સમાવેશ થાય છે. ક્રૂ મોડ્યુલની ટોચ પર બૂસ્ટર સાથે ક્રૂ એસ્કેપ સિસ્ટમ હશે. મોડ્યુલોને GSLV Mk III દ્વારા અવકાશમાં સંચાલિત કરવામાં આવશે. તેની સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે બે મિશન શરૂ કરવામાં આવશે. જે દરેક વસ્તુની નકલ કરશે, સિવાય કે તેમાં કોઈ માનવ ક્રૂ નહીં હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.