બિહારમાં દારુ પીતા પકડાય તેને રુા. 5000 સુધીનો દંડ

પટણા, મુખ્યમંત્રી નીતીશકુમારની અધ્યક્ષતામાં સોમવારે સાંજે રાજય કેબીનેટની બેઠક થઇ હતી. આ બેઠકમાં કુલ ૧૪ એજન્ડાઓ પર મંજૂરી મહોર લગાવાઇ છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ દારૂબંધી સંશોધન કાનુન ૨૦૨૨ હેડળ દંડની રકમ અને મેજીસ્ટ્રેટના અધિકારોને અધિસૂચિત કરવાનો પ્રસ્તાવ સ્વીકારાયો.
બિહારમાં દારૂબંધી સંશોધન બીલ કાયદાનું સ્વરૂપ લે તેમાં વધારે દિવસો નથી રહ્યા. બિહાર વિધાનમંડળના બંને સદનો-વિધાનસભા અને વિધાન પરિષદમાં તેને પાસ કરી દેવાયું છે. રાજયપાલની મંજૂરી મળ્યા પછી આ નવો કાયદો અમલમાં આવી જશે.
આ નવા કાયદા હેઠળ શરાબ પીતા પકડાઇ જનાર લોકોને સજા બાબતે પહેલા અસમંજસ હતી તે હવે પુર્ણપણે દૂર થઇ ગઇ છે. પહેલીવાર શરાબ પીતા પકડાય તો દંડ આપીને છૂટી શકાય છે પણ તેનો અર્થ એ નથી કે તે વ્યકિત પોલિસ અને મેજીસ્ટ્રેટ સામે દાદાગીરી કરે.
જો તેમનો વહેવાર બરાબર નહીં હોય તો તેમને જેલમાં પણ મોકલી શકાશે. પહેલીવાર દારૂ પીતા પકડાય તો આરોપીને બે હજારથી માંડીને ૫૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. દંડની રકમ કેટલી હશે તે કાર્યપાલક પદાધિકારી સામે રજૂ કર્યા પછી નક્કી થશે.
જો કે નવા કાયદાનો મતલબ એ પણ નથી કે દારૂ પીનાર પાસે અધિકાર હોય કે તે દંડ ભરીને છૂટી જાય. તેણે જેલની હવા પણ ખાવાનો વારો આવી શકે છે.