Western Times News

Gujarati News

તીર્થ ધામ શામળાજીમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ યોજાશે

(પ્રતિનિધિ) મોડાસા, પ્રસિદ્ધ તીર્થધામ શામળાજી ખાતે ડુંગરોની તળેટીમાં વિરાટ ગાયત્રી શક્તિપીઠ આવેલું છે. અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર ગાયત્રી પરિવારના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના કર કમલો દ્વારા વિશ્વમાં પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠિત થયેલ આ ગાયત્રી શક્તિપીઠ છે.

૧૯ એપ્રિલ ૧૯૮૦ના રોજ આ શક્તિપીઠનો પ્રારંભ થયો હતો. અરવલ્લી અને સાબરકાંઠા બંને જીલ્લાના ગાયત્રી સાધકો તેમજ આમજનતા આ પવિત્ર શક્તિપીઠ સાથે જાેડાયેલા છે. જે જન જાગૃતિના કેન્દ્રના રૂપમાં દિવાદાંડી સમાન છે. શામળાજીના આસપાસના દૂર દૂર સુધી મોટેભાગે ખૂબ જ પ્રેમાળ લાગણીશીલ આદિવાસી સમાજ નિવાસ કરે છે.

આ ગાયત્રી શક્તિપીઠ સામાજીક કુરિવાજાે નિવારણ અને વ્યસનોથી બચાવ જેવા અનેક રચનાત્મક આંદોલનો માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.

આ વિશ્વમાં પ્રથમ ગાયત્રી શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં બીજા ૫૫૦૦થી વધુ ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞાપીઠ, ચેતના કેન્દ્રના નિર્માણ થયા અને અવિરત નિર્માણ ક્રમ ચાલુ છે. જેમાં શામળાજી ગાયત્રી શક્તિપીઠ પ્રથમ નિર્માણ હોઈ આ ક્ષેત્ર માટે ખૂબ જ ગૌરવ સમાન ગણાય.

આ શક્તિપીઠના ચાલુ વર્ષે આવી રહેલ પાટોત્સવ પ્રસંગ સંદર્ભે તાજેતરમાં છેલ્લા બે દિવસ દરમિયાન બંને જિલ્લાના અગ્રણી ગાયત્રી સાધકો, ટ્રસ્ટીઓ, ગુજરાતના અગ્રણી તેમજ માતૃસંસ્થા શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધીઓ સાથે ચિંતન બેઠક યોજાઈ

જેમાં આ શક્તિપીઠનો આ સમગ્ર ક્ષેત્રમાં જન જાગૃતિના કેન્દ્ર રુપે વધુ સક્રિયતાથી લાભ મળે તેવી યોજના ઘડવામાં આવી. જેના ભાગરુપે ૪૨ વર્ષ જુના બાંધકામનો જીર્ણોદ્ધાર કરવામાં આવનાર છે. વિશેષમાં ડુંગરની તળેટીમાં ખૂબ ઉંચાઈ સુધી પગથિયા હોઈ દર્શનાર્થીઓને ચઢવા-ઉતરવામાં થાક અનુભવાઈ રહ્યો છે.

આ સમસ્યાના નિવારણ માટે ઑટોમેટીક લીફ્ટની વ્યવસ્થા કરવા આયોજન કરવામાં આવનાર છે. તેમજ અરવલ્લી – સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાએ દર પૂનમે આવનાર દર્શનાર્થીઓ માટે પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શક્તિપીઠ ખાતે જીર્ણોદ્ધારના શુભારંભમાં ૪૨ મા પાટોત્સવ પ્રસંગે ગાયત્રી તીર્થ, શાંતિકુંજ,હરિદ્વારના માર્ગદર્શનમાં ૧૩ અને ૧૪ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની સક્રિય તૈયારીઓ શરુ કરવામાં આવેલ છે. શામળાજી આસપાસના ક્ષેત્રના ગામોના આમ જન સમાજ તથા અરવલ્લી- સાબરકાંઠા સહિત ગુજરાતભરમાંથી હજારો ગાયત્રી સાધકો આ મહાયજ્ઞમાં જાેડાશે.

વિશેષમાં ગાયત્રી પરિવારના મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી તેમજ ગાયત્રી પરિવારના યુવા હ્રદય એવા હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજી આ શામળાજી ખાતે મહાયજ્ઞમાં વિશેષ મહેમાન તરીકે પધારવાની યોજના બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.