Western Times News

Gujarati News

૨૦૨૧-૨૨ના આઈટી રીટર્ન ફાઈલ કરવાના ફોર્મ બહાર પડયા

નવી દિલ્‍હી, માત્ર કોર્પોરેટ કંપનીઓ, ભાગીદારી પેઢીઓ અને ચેરિટેબલ ટ્રસ્‍ટ સિવાયના તમામ કરદાતાઓ તેમના રિટર્ન એપ્રિલથી જ ફાઈલ કરી શકે તે માટેની યુટીલિટી (ફોર્મ) સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસે બહાર પાડી દીધા છે. આ ફોર્મ હવે આવકવેરાની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવે તે સાથે જ આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના રિટર્ન ફાઈલ કરવાનું ચાલુ કરી શકાશે.

પાંચથી સાત વર્ષ બાદ પહેલીવાર સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસે આઈટીઆર-૧થી ૪ના રિટર્ન ફાઈલ કરવા માટેની ફોર્મની જાહેરાત કરી દીધી છે. જોકે આ ફોર્મ હજી આવકવેરાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્‍યા નથી. ફોર્મને વેબસાઈટ પર અપલોડ કરી દેવાય તે ઘડીથી કરદાતાઓ તેમના રિટર્ન ફાઈલ કરી શકશે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ તરફથી આકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેની યુટીલીટી બહુધા મે-જૂનમાં જ જાહેર કરાતી હોવાથી કરદાતાઓને તેમના રિટર્ન ફાઈલ કરવાનો સમય ન મળતો હોવાનું જણાવીન રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવાની માગણી ન કરવામાં આવે તે માટે આ વરસે એપ્રિલ માસના પહેલા અઠવાડિયામાં જ આવકવેરા રિટર્નના ફોર્મ નંબર ૧થી ૪ બહાર પાડી દેવામાં આવ્‍યા છે.

આવકવેરાનું રિટર્ન (આઈટીઆર-૧) નોકરિયાતોએ ભરવાનું આવે છે. તેમની વાર્ષિક પગારની આવક રૂા. ૫૦ લાખની મર્યાદામાં હોય તેવા તમામ કરદાતાઓએ આઈટીઆર-૧ ફાઈલ કરવાનું આવે છે. તેમ જ આ કરદાતા પાસે એક જ મિલકત( ઘર ) હોય તો જ તે આ રિટર્ન ફાઈલ કરી શકે છે. તેમની ખેતીની વાર્ષિક આવક રૂા. ૫૦૦૦થી વધુ ન હોવી જોઈએ.

આઈટીઆર રિટર્ન – ૨ હિન્‍દુ અવિભક્‍ત પરિવારોએ ફાઈલ કરવાનું હોય છે. તેમની આવક વ્‍યવસાય અથવા બિઝનેસ થકી થતી ન હોવી જોઈએ. આ કરદાતાને નફાની આવક ન થતી હોવી જોઈએ.

આવકવેરા રિટર્ન-૩ બિઝનેસમાંથી નફાની આવક ધરાવતા અને બિઝનેસ કે વ્‍યવસાયમાંથી લાભ મેળવતા કરદાતાઓએ આઈટીઆર-૩ ફાઈલ કરવાનું હોય છે.

તેમ જ આવકવેરાનું રિટર્ન-૪ બિઝનેસ અને પ્રોફેશનલ તરીકે વ્‍યક્‍તિગત કરદાતા, હિન્‍દુ અવિભક્‍ત પરિવાર કરદાતા અને લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ પેઢી સિવાયના કરદાતાઓ અને વાર્ષિક રૂા. ૫૦ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓ આ રિટર્ન ફાઈલ કરી શકે છે. તેમ જ કલમ ૪૪એડી, ૪૪એડીએ અથવા ૪૪એઈ હેઠળ રજિસ્‍ટ્રેસન ધરાવતી કંપનીઓએ આવકવેરાના રિટર્નનું ફોર્મ – ૪ ફાઈલ કરવાનું આવે છે.

તેમની કૃષિની વાર્ષિક આવક રૂા. ૫૦૦૦થી વધુ ન હોય તો જ તેમને આ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવે છે. આમ તો આઈટીઆર ૧થી ૬ ૩૦મી માર્ચે નોટિફાય કરી દેવાયા છે. પરંતુ તેની યુટીલિટીની જાહેરાત એપ્રિલના પહેલા અઠવાડિયામા જ જાહેર કરી દેવામાં આવી હોવાથી યુટીલીટી ન મળી હોવાથી રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી આપનારાઓનું સરકાર મોઢું જ બંધ કરી દેવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.