મધ્યપ્રદેશના પંચમઢી અને અમરકંટક રજાઓ માટે સૌથી વધુ પસંદગીના સ્થળો

પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો અને પત્ની દ્રૌપદીએ પંચમઢીનું નિર્માણ કર્યું હતું અને વનવાસ દરમિયાન ત્યાં રહ્યા હતા. – પાંડવ અને જટા શંકર ગુફાઓ- પચમઢીમાં આવેલી ‘પાંડવ ગુફાઓ’ આકર્ષણનું કેન્દ્ર છે.
ઉનાળામાં તાજગીભર્યા કરશે મધ્ય પ્રદેશના ‘હિલ સ્ટેશનો’- પ્રકૃતિની ગોદમાં વસેલા આ પ્રવાસન સ્થળો ગાઢ જંગલો, નદીઓ અને ધોધથી ભરેલા છે.
મધ્યપ્રદેશ પ્રવાસન દ્વારા ઘણી સાહસિક અને રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ઉનાળાની ઋતુ આવી ગઈ છે. પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આનાથી સારો પ્રસંગ કોઈ હોઈ શકે નહીં.
બસ એવા સ્થળોનો જ અભાવ છે જ્યાં સતત વધતા તાપમાનની કોઈ અસર જોવા મળતી ન હોય અને શહેરની ધમાલથી અલગ પણ હોય, જ્યાં ચારે બાજુ હરિયાળી હોય, ઊંચા-ઘટાદાર વૃક્ષો હોય, ખળ-ખળ વહેતી નદીઓ હોય, પક્ષીઓના કિલકિલાટનો અવાજ આવતો હોય.
જો તમે આ બધી વિશેષતાઓ સાથેની જગ્યા નક્કી કરી શકતા નથી, તો અમે તમને મધ્યપ્રદેશની કેટલીક ખાસ જગ્યાઓ વિશે જણાવીએ છીએ, જ્યાં ગરમીની ચિંતા કર્યા વિના તમે પ્રકૃતિની ગોદમાં રજાઓ ગાળી શકો છો.

મધ્યપ્રદેશના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત પંચમઢી હોય કે પછી તે જીવન આપતી નદી નર્મદાનું મૂળ સ્થળ અમરકંટક. ઉનાળાને યાદગાર બનાવવા માટે આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે.
પંચમઢી – ‘સતપુરાની રાણી’
રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 1067 મીટરની ઉંચાઈ પર સ્થિત પંચમઢી મધ્ય ભારતનું સૌથી આકર્ષક અને મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે સતપુરાની રાણી તરીકે ઓળખાય છે. ટેકરીઓમાં વસેલા અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા, પચમઢીમાં વહેતી નદીઓ અને ધોધ મનમોહક છે.
આ સ્થળની સુંદરતાનો અનુભવ કરવા માટે જીપ સફારી પણ ઉપલબ્ધ છે. પચમઢીમાં અને તેની આસપાસ ઘણા પ્રવાસન સ્થળો, જેમાં ધૂપગઢ, બી ફોલ્સ, ડચેસ ફોલ્સ, સતપુરા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ સમાવિષ્ઠ છે. પાંડવ અને જટા શંકર ગુફાઓ- પચમઢીમાં આવેલી ‘પાંડવ ગુફાઓ’ આકર્ષણનું કેન્દ્ર છે.
પૌરાણિક કથાઓ અનુસાર, પાંડવો અને તેમની પત્ની દ્રૌપદીએ તેનું નિર્માણ કર્યું હતું અને તેમના વનવાસ દરમિયાન ત્યાં રહ્યા હતા. વધુ એક અન્ય આકર્ષણ, જટા શંકર ગુફા સો માથાવાળા દિવ્ય સર્પ શેષનાગને દર્શાવે છે. આ પવિત્ર ગુફાના ખડકમાં ભગવાન શિવના ગુંથાયેલા વાળ છે.
સતપુરા નેશનલ પાર્ક – દેશના મુખ્ય ટાઈગર રિઝર્વ પૈકીના એક, સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનને વર્ષ 2010માં વિઝિટર ફ્રેન્ડલી વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ મળી ચુક્યું છે. અહીંનું જંગલ જંગલી ભેંસ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વાઘ, દીપડા, સાંભર, ચિતલ, ચિંકારા, રીંછ સહિત અન્ય ઘણા પ્રકારના વન્યજીવો અહીં રહે છે.
પચમઢીમાં કરવા જેવી વસ્તુઓ – બોટિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, જીપ સફારી, વોટરફોલ ટ્રેકિંગ, હાઈકિંગ, એટીવી રાઈડ, હોર્સ રાઈડ વગેરે.
અમરકંટક “તીર્થધામોનો રાજા”
ગાઢ લીલા વૃક્ષોમાંથી પસાર થતા રસ્તાઓ અને ઠંડા પવનના અનુભવ, ઉનાળામાં આ લાગણીઓ કોઈ સ્વર્ગથી ઓછી નથી હોતી. મૈકલ પહાડીઓમાં અનુપપુર જિલ્લાના શાહડોલ તાલુકામાં કુદરતની ગોદમાં વસેલું અમરકટંક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન માટે પણ શ્રેષ્ઠ સ્થળ છે.
અમરકંટક, જે તીર્થરાજ તરીકે જાણીતું છે, તે વિંધ્ય, સતપુરા અને મેદાર ટેકરીઓનું મિલન સ્થળ છે. દેશની મુખ્ય નદીઓમાંની એક, મધ્યપ્રદેશની જીવન આપતી નર્મદા નદી અને સોનભદ્ર નદીનું મૂળ અમરકંટક છે. આ અનાદિ કાળથી ઋષિ-મુનિઓની તપશ્ચર્યા ભૂમિ રહી છે.
પર્યટનના રોમાંચ સાથે વિશ્વાસનું સંયોજન – અમરકંટકની ગલીઓમાંથી ચાલતાં ચાલતાં, તમે ઘણા નાના-મોટા મંદિરોથી ઘેરાયેલા સંકુલમાં પહોંચી જશો. નર્મદા ઉદગમ (નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન) ખાતે એક કુંડ છે. અહીં તમને નર્મદા માતા મંદિર અને સોનાક્ષી શક્તિપીઠ મંદિર પણ જોવા મળશે. અહીંથી દક્ષિણમાં 1 કિમીની મુસાફરી કરતાં, ભગવાન શિવને સમર્પિત ત્રિમુખી મંદિર છે, જેનું નિર્માણ 1042-1122 ઈ.સ. વચ્ચે થયું હતું. અહીં 18મી સદીનું કેશવ નારાયણ મંદિર પણ છે.
ખળ-ખળ વહેતા ધોધમાંથી મળશે રાહત – બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દુગ્ધ ધારા અને કપિલ ધારા, બે ધોધ અહીં હાજર છે, જે ગાઢ જંગલોથી ઘેરાયેલા સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. દુગ્ધ ધારા ધોધ દૂધિયા સફેદ પાણીના પ્રવાહ જેવો દેખાય છે અને તે તેની સુંદરતાથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.
દૂગ્ધધારાથી દક્ષિણ-પશ્ચિમમાં કપિલધારા છે. બંને વચ્ચે અંતર 1 કિમી થી વધુ નથી. આ સિવાય સોનમુડા સનરાઈઝ પોઈન્ટ સવારે ફરવા માટેનું બીજું એક આકર્ષક સ્થળ છે. તે સમગ્ર જંગલ અને તેની આસપાસના પર્વતોના મનોહર દૃશ્ય માટે જાણીતું છે.
અન્ય આકર્ષણના કેન્દ્રો – આ તીર્થધામ 1065 મીટરની ઉંચાઈ પર આવેલું છે. શ્રી યંત્ર મંદિર, અમરેશ્વર મહાદેવ મંદિર, સોન ઉદગમ મંદિર, ભૃગુ કમંડલ, દુર્ગા ધારા ફોલ, કલચુરી કાલિન મંદિર અને જ્વાલેશ્વર મંદિર જેવા અન્ય સ્થળો પણ પ્રવાસીઓના પ્રિય છે.
મધ્યપ્રદેશમાં મુલાકાત લેવા માટેના અન્ય આકર્ષણો – ભેડાઘાટ
ભેડાઘાટ બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ ગ્રાઉન્ડ રહ્યું છે, જેમાંથી એક શાહરૂખ ખાન અભિનીત ‘અશોકા’ છે. આરસની ખડક વચ્ચે વહેતી નર્મદા નદીનું મનોહર દૃશ્ય લાખો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.