Western Times News

Gujarati News

જીન્સ-પેન્ટ પહેરવાથી મહિલાના ચરિત્રનું મૂલ્યાંકન ન થઈ શકે: છત્તીસગઢ હાઈકોર્ટ

રાંચી, છત્તીસગઢ હાઈકોર્ટે એક બાળકની કસ્ટડીના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે પુરુષ સહકર્મીઓ સાથે હરવા-ફરવા જવા અથવા તો જીન્સ-પેન્ટ પહેરવાના આધારે કોઈ મહિલાના ચરિત્રનું મૂલ્યાંકન ના કરી શકાય.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, જાે પત્ની પતિની ઈચ્છા અનુસાર પોતાને નથી બદલતી, તો તે બાળકની કસ્ટડી તેને ન આપવાનું કોઈ કારણ નહીં ગણાય. કોર્ટે આ કેસમાં ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કર્યો છે અને માતાને બાળકની કસ્ટડી સોંપવાનો ર્નિણય લીધો છે.

એડવોકેટ સુનીલ સાહૂએ જણાવ્યું કે, જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ સંજય એસ અગ્રવાલની પીઠે મહાસમુંદ જિલ્લાની ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરીને માતાને બાળકની કસ્ટડી સોંપવાનો ચુકાદો સંભળાવ્યો છે.

કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, આ પ્રકારની વિચારધારાને કારણે મહિલાઓના અધિકાર અને સ્વતંત્રતા માટે ચાલી રહેલી લડાઈ વધારે મુશ્કેલ બની જશે. આવી માનસિકતા વાળા સમાજના અમુક લોકોના પ્રમાણપત્રથી કોઈ મહિલાનું ચરિત્ર નક્કી નથી કરી શકાતું. સુનીલ સાહૂએ જણાવ્યું કે, આ કેસમાં દંપતીના લગ્ન વર્ષ ૨૦૦૭માં થયા હતા.

તે જ વર્ષે ડિસેમ્બર મહિનામાં મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. લગ્નના પાંચ વર્ષ પછી વર્ષ ૨૦૧૩માં તેમણે છૂટાછેડા લીધા હતા. બન્ને મળીને ર્નિણય લીધો હતો કે દીકરો તેની માતા પાસે રહેશે. ત્યારપછી બાળકની માતા મહાસમુંદમાં જ એક ખાનગી કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા લાગી હતી.

૨૦૧૪માં બાળકના પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરીને દીકરો સોંપવાની માંગ કરી હતી. પિતાએ અરજીમાં દલીલ કરી હતી કે, તેની પૂર્વ પત્ની કંપનીના પુરુષ સહકર્મીઓ સાથે બહાર જાય છે. તે જીન્સ-ટી શર્ટ પણ પહેરે છે અને તેનું ચરિત્ર સારુ નથી. માટે જાે બાળકને તેની પાસે રાખવામાં આવશે તો તેના પર ખરાબ અસર પડશે.

સાક્ષીઓના નિવેદનના આધારે ફેમિલી કોર્ટે ૨૦૧૬માં બાળકની કસ્ટડી માતા પાસેથી લઈને પિતાને સોંપી દીધી હતી. બાળકની માતાએ ફેમિલી કોર્ટના ર્નિણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

હાઈકોર્ટે બુધવારના રોજ ફેમિલ કોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો અને બાળકની કસ્ટડી માતાને સોંપી દીધી હતી. કોર્ટે સ્વીકાર્યું કે બાળકને માતા અને પિતા બન્નેનો સમાન રીતે પ્રેમ અને સ્નેહ મેળવવાનો અધિકાર છે. હાઈકોર્ટે બાળક પિતાને મળી શકે તેની પણ સુવિધા આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.