Western Times News

Gujarati News

તા.૨૧મીના રોજ આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે

(માહિતી દ્વારા) આણંદ, ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિરાસત સમાન યોગ વિદ્યાને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરીને દર વર્ષે ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલ છે. આ વિશ્વ યોગ દિનને વિરાટ જનસમર્થન મળી રહે તે માટે આગામી તા.૨૧મી જૂન પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જિલ્લા કલેકટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બેઠક મળી હતી. રાણાએ જિલ્લામાં જે સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવે તે સ્થળોની આસપાસમાં રહેતા નગરજનોને પણ આ યોગાભ્યાસમાં જોડાઇને ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિરાસત સમાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

રાણાએ આણંદ જિલ્લામાં પાંચ મુખ્ય સ્થળો પૈકી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જયારે આણંદ શહેરના શાસ્ત્રી મેદાનના બીજા ભાગમાં, એન.ડી.ડી.બી., મહાત્મા ગાંધી વિદ્યાલય, મોગરી અને ડી.એન. હાઇસ્કૂલ, આણંદ ઉપરાંત દરેક તાલુકા દીઠ-૧૪, નગરપાલિકા દીઠ-૨૨, ગ્રામ પંચાયતોના-૩૫૧, પ્રાથમિક શાળા-૬૨૦, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-૩૯૬, કોલેજો-૧૫૫, જિલ્લાની ત્રણ સબ જેલો અને એન.જી.ઓ.-૫૪ મળી જિલ્લાના કુલ-૧૬૨૪ સ્થળોએ યોગાભ્યાસ યોજાશે.

બેઠકમાં મુખ્ય જિલ્લા કો-ઓર્ડીનેટર નિલેશભાઇ પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવેલ આયોજનની વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીમા જિલ્લામાં ૬.૩૦ લાખ વ્યકિતઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

જે પૈકી ૬.૦૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસમાં ભાગ લઇને યોગાભ્યાસ કર્યો હતો. ચાલુ વર્ષે માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોગાભ્યાસની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે તા.૧૪મી પ્રારંભ કરવામાં આવ્યો છે જે તા. ૨૦ સુધી ચાલશે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર રાણાએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધુને વધુ નગરજનો યોગાભ્યાસમાં જોડાય તેવું આયોજન કરવાની સાથે તાલીમબધ્ધ ટ્રેનર્સ દ્વારા તમામને તાલીમ આપવામાં આવે તે જોવાનું સૂચન કરી જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે.

શહેર અને જિલ્લામાં યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં એન.સી.સી., આર્ટ ઓફ લીવીંગ, પતંજલી, ગાયત્રી સંસ્થા, બ્રહ્માકુમારી, જાગનાથ મહાદેવ, રામૃકષ્ણ મિશન જેવી વિવિધ ધાર્મિક-સામાજિક-સ્વૈચછિક સંસ્થાઓ સહિત ઔદ્યોગિક એકમો પણ જોડાનાર છે તેની પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર પી.સી. ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખાંટ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, વિવિધ ધાર્મિક-સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.