Western Times News

Gujarati News

SGVPના ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાલખીયાત્રા ગઢપુરથી ઘેલા નદીના કાંઠા સુધી નીકળશે

 સાંજે 5 વાગ્યે ઘેલો નદીના કાંઠે સંતોના હાથે અંતિમસંસ્કાર કરાશે

અમદાવાદ: અમદાવાદના એસજીવીપી ગુરુકુળ સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો આજે ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તો શોકમગ્ન થયા છે. બુધવારે અમદાવાદ ગુરૂકુળમાં સવારના 9 વાગ્યાથી પૂ.ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પાર્થિવદેહના દર્શન હરિભક્તો કરવા આવી પહોંચ્યા છે.

પૂજ્ય ભક્તિપ્રકાશદાસજી સ્વામીના અક્ષરવાસથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

13 એપ્રિલના રોજ અમદાવાદ એસજીવીપી ગુરૂકુળમાં સવારે 8થી 9 વાગ્યા સુધી અંતિમ પૂજન વિધિ કરવામાં આવી હતી. બાદમાં હરિભક્તો માટે સ્વામીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, SGVP સંસ્થાની પાયાની ઈંટ,અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના અક્ષરવાસના સમાચાર આપણા સૌ માટે આઘાતજનક છે. તેઓએ સમાજમાં શિક્ષણ,ભજન અને ભોજન માટે આપેલું યોગદાન સદૈવ પ્રેરણા આપતું રહેશે.

બપોર પછી 4થી 5 વાગ્યા સુધી ગઢપુર મંદિરથી ઘેલા નદીના કાંઠા સુધી પાલખીયાત્રા નીકળશે. બાદમાં સાંજે 5 વાગ્યે ઘેલો નદીના કાંઠે સંતોના હાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. હરિભક્તો પૂજ્ય ભક્તિપ્રકાશદાસજી સ્વામીને એસજીવીપી ગુરુકુળ સંસ્થાની પાયાની ઈંટ સમાન વંદનીય માને છે.

તેમની સેવા અને ભક્તિની ફોરમ ચોમેર ફેલાયેલી હતી. તેમના અંતિમ દર્શન માટે હરિભક્તો બુધવારે સવારથી જ અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં હાજરી આપવા પહોંચી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.