Western Times News

Gujarati News

પંચમહાલ કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતીની બેઠક યોજાઈ

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાવાની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા જિલ્લા પાણી સમિતીની બેઠક જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઈ હતી.
ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી, હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલનાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતનાં પદાધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહી ઉનાળા દરમિયાન જિલ્લાનાં દરેક ગામમાં પાણી પુરવઠાની જરૂરી આપૂર્તિ સુનિશ્ચિત રહે તે માટે માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.
નર્મદા મુખ્ય નહેરમાંથી ઉપાડવામાં આવતા પાણીનાં જથ્થા, ઉપલબ્ધ પાણીનાં જથ્થાની વિગત, જૂથ પાણી પુરવઠા યોજના માટે જિલ્લાનાં વિવિધ ડેમમાંથી ઉપાડવામાં આવતા પાણીનાં જથ્થાની તથા ઉપલબ્ધ પાણીનાં જથ્થાની વિગત, હયાત જૂથ પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સ્થિતિ તેમજ પ્રગતિ હેઠળ રહેલી જૂથ યોજનાઓ અને આયોજન હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.
ઉનાળા દરમિયા પાણીની અછત સર્જાવાની સ્થિતિમાં ટેન્કરનાં આયોજનની પૂર્વતૈયારીઓ, હેન્ડપંપ રિપેરિંગ સંબંધિત ચાલી રહેલી કામગીરી, અછત માસ્ટર પ્લાન, નલ સે જલ કાર્યક્રમ હેઠળ આપવામાં આવી રહેલા ઘર-જોડાણ સહિતની બાબતો અંગે ઝીણવટભરી માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા-આયોજન કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, પાવાગઢ ડુંગર તેમજ ગામમાં પાણીનાં પૂરતા જથ્થાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા સબંધિત સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હેન્ડપંપ રિપેરિંગ માટે જિલ્લામાં 20 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પ્રથમ એપ્રિલથી અત્યાર સુધી 460 કરતા વધુ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા છે. કલેક્ટરએ બાકી યોજનાઓને સત્વરે પૂર્ણ કરી, જરૂરી ચકાસણી કરી કાર્યરત કરવા, હેન્ડપંપ રિપેરીંગ માટે હેલ્પલાઈન જાહેર કરવા તેમજ રિપેરિંગ સહિતનાં કામોની ગુણવત્તાની સઘન ચકાસણી નિયમિત રીતે કરવા, રિપેરિંગ સંસાધનોનાં યોગ્ય વિતરણ સંબંધિત નિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી.ચુડાસમા, પાણી પુરવઠા અધિકારી મીતાબેન મેવાડા,વાસ્મો યુનિટ મેનેજર જે.એમ.પટેલ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.