Western Times News

Gujarati News

નવું AC ખરીદવાના છો, તો જાણી લો ઈન્સ્ટોલેશનની જવાબદારી ઉત્પાદકની

કન્ઝ્‌યુમર કમિશને ગ્રાહકનો પક્ષ લીધો અને તેને વળતર ચુકવવા માટે એસી ઉત્પાદકને આદેશ આપ્યો છે.

વિજય સેલ્સે કહ્યું કે તે માત્ર ઇલેક્ટ્રિક સાધનો વેચવા માટે જવાબદાર છે.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પણ એક ગ્રાહકે એસી ખરીદ્યા પછી ઇન્સ્ટોલેશન માટે પરેશાની વેઠવી પડી, પરંતુ કન્ઝ્‌યુમર કમિશને ગ્રાહકનો પક્ષ લીધો અને તેને વળતર ચુકવવા માટે એસી ઉત્પાદકને આદેશ આપ્યો છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા સુનિલકુમાર સિંહે જૂન ૨૦૧૬માં ૪૧,૦૦૦ રૂપિયામાં ડાઈકિનનું એસી ખરીદ્યું હતું. બે દિવસ પછી ટેકનિશિયન એસી ઇન્સ્ટોલ કરવા આવ્યો ત્યારે સુનિલકુમાર જ્યાં એસી ફીટ કરાવવા માંગતા હતા ત્યાં એસી ઇન્સ્ટોલ કરવાની તેણે ના પાડી દીધી.

ટેકનિશિયને એસી ઇન્સ્ટોલ કરવા માટે સ્ટીલની ફ્રેમ માટે વધારાના ૪૦૦૦ રૂપિયાની માંગણી કરી. સુનિલકુમારે વધારાના રૂપિયા આપવાની ના પાડી દીધી અને કંપનીને આ અંગે ફરિયાદ કરતો મેઈલ કર્યો.

ત્યાર બાદ તેમણે બે દિવસ પછી ૪૩૫૦૦ રૂપિયા આપીને હિટાચીનું એસી ખરીદ્યું. હિટાચીના ટેકનિશિયને વધારાનો ચાર્જ લીધા વગર સુનિલકુમારે જ્યાં કહ્યું ત્યાં એસી ફીટ કરી આપ્યું.

ત્યાર પછી સુનિલકુમાર ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશનમાં ગયા અને તેમણે નવા એસી માટે વધારાનો ૨૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો તે બદલ વળતર માંગ્યું. આ ઉપરાંત તેમણે જે પરેશાની વેઠવી પડી અને તેમના પરિવારે બે દિવસ ગરમી સહન કરવી પડી તે બદલ ડાઇકિન કંપની અને એસી વેચનાર વેન્ડર વિજય સેલ્સ પાસે વળતર માંગ્યું.

વિજય સેલ્સે કહ્યું કે તે માત્ર ઇલેક્ટ્રિક સાધનો વેચવા માટે જવાબદાર છે. એસીનું ઇન્સ્ટોલેશન કરવું એ એસી ઉત્પાદકની જવાબદારીમાં આવે છે. ડાઈકિને દલીલ કરી કે ગ્રાહક જ્યાં એસી ઇન્સ્ટોલ કરાવવા માંગતા હતા તે જગ્યા યોગ્ય ન હતી તેથી ત્યાં સ્ટીલની ફ્રેમ બેસાડવાનો વધારાનો ખર્ચ આવે તેમ હતો.

જાેકે, ગ્રાહક કમિશને ગ્રાહકનો પક્ષ લીધો અને સવાલ કર્યો કે ડાઇકિનના ટેકનિશિયને જ્યાં એસી ઇન્સ્ટોલ કરવાની ના પાડી દીધી ત્યાં હિટાચીએ કેવી રીતે કોઈ પણ ચાર્જ વગર એસી ઇન્સ્ટોલ કરી આપ્યું? ડાઈકિન આ પ્રોડક્ટની ઉત્પાદક હોવાથી ઇન્સ્ટોલેશન પણ તેની જ જવાબદારીમાં આવે.

આ બાબતને ધ્યાનમાં રાખીને કમિશને ડાઈકિનને એસીના ભાવ વચ્ચેનો ૨૫૦૦ રૂપિયાનો તફાવત ચુકવવા જણાવ્યું છે. આ ઉપરાંત ગ્રાહકના પરિવારને જે તકલીફ પડી અને જે કાનૂની ખર્ચ કરવો પડ્યો તે માટે પણ ૪૦૦૦ રૂપિયા ચુકવવા આદેશ અપાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.