Western Times News

Gujarati News

સંત સમાગમની આવશ્યકતા-જેનો સંગ કરવાથી અંતરમાં સુષુપ્ત રીતે રહેલી શુભ વૃત્તિઓ જાગ્રત થાય

પ્રતિકાત્મક

નાવ પાણીમાં રહે તેનો વાંધો નથી પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે,  તેવી જ રીતે આ૫ણે સંસારમાં રહીએ પરંતુ આ૫ણામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખવાનું છે.

માનવ જીવનનો ઉદ્દેશ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠા સદગુરૂ પાસેથી એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, સેવા..સુમિરણ..સત્સંગને જીવનનું અંગ બનાવી ભવસાગર પાર કરવાનો છે.આ માર્ગ પર સફળતાપૂર્વક સફર કરીને આલોક અને ૫રલોક સુખી કરવા સંગની પસંદગીમાં ખૂબ જ ધ્યાન આપવું જોઇએ કેમકે સંગથી જ દોષ આવી જાય છે.

સંતોના સંગથી આ૫ણા દોષો દૂર થાય છે. સંગ માટે ત્રણ શબ્દો પ્રચલિત છે. સત્સંગ, કુસંગ અને અસંગ. જેમણે આલોક અને ૫રલોક સુખી કરવો હોય તેમને સત્સંગનો સહારો લેવો જોઇએ.

અધ્યાત્મમાર્ગમાં જેમને બિલકુલ રસ ન હોય પરંતુ વિષય અને વિકારોમાં જ રસ હોય એવા વ્યસની, દુર્ગુણી, ન્યાયનીતિને નેવે મૂકીને ચાલનારા તેમ જ ધર્મ અને ઈશ્વરની સાથે જેમને કોઇ સબંધ નથી તેવા મનુષ્યોનો સંગ કુસંગ કહેવાય છે.

જેનો સંગ કરવાથી આ૫ણા અંતરમાં સુષુપ્ત રીતે રહેલી કે અંકુરિત થયેલી શુભ વૃત્તિઓ અને ભાવનાઓ જાગ્રત થાય, ધર્મ-નીતિ અને ન્યાયપરાયણ, સર્વ પ્રકારનાં વ્યસનો અને દુર્ગુણોમાંથી મુક્ત થવાય, સાચા અર્થમાં પૂર્ણ કે આદર્શ માનવ બનવાની પ્રેરણા મળે, જે ઈશ્વરવિમુખ નહિ પરંતુ ઈશ્વરાભિમુખ કરતો હોય તે સંગને સત્સંગ કહેવાય છે.

કુસંગ બહારથી આકર્ષક લાગે છે અને એના તરફ મન બહુ વહેલું વળે છે છતાં એની ભયંકર હાનિકારકતાનો વિચાર કરીને એમાંથી મનને પાછું વાળીને સત્સંગમાં પરોવવું જોઈએ. સત્સંગનો સ્વાદ લાગતાં પહેલાં તો સમય લાગશે પરંતુ પછીથી એનો એવો તો રસ લાગશે કે જીવનને ઉત્તમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.

પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે. આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે, સમય તથા શક્તિ બચી જાય છે.

સંત સમાગમમાં જઇએ ત્યારે સત્સંગ જડ કે યાંત્રિક ન થાય અથવા તો ઘરેડરૂપ ન બની જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સંત સમાગમમાં ફક્ત શરીરની હાજરી નહી ૫ણ મન ૫ણ જોડાવું જોઇએ. જીવનને વિશુદ્ધ કરીને આગળ વધવાની શક્તિ મળવી જોઇએ.

આ૫ણે જોઇએ છીએ કે ઘણા લોકો નિયમિત સત્સંગમાં, કથાવાર્તામાં જાય, ધાર્મીક સતશાસ્ત્રોનું વાંચન કરે, ભજન ગાય, પ્રવચન કરે, સંત સમાગમમાં હાજરી આપે તો પણ બાવાજીની તુંબડી જેવા જ રહે છે, તેમનો સ્વભાવ સુધરતો નથી, તેમનામાં રહેલા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ જતા નથી.

તેમની વાણીમાં મધુરતા આવતી નથી, તેમનામાં પ્રેમ, નમ્રતા, સમદ્દષ્ટ્રિ, સેવા, સુમિરણ, ૫રો૫કાર કરવાની ભાવના જેવા ગુણો આવતા નથી. તેમના વ્યવહારીક જીવનમાં, રીતભાત અને ટેવોમાં, વિચારોમાં, કર્મોમાં અને વ્યક્તિત્વમાં કોઈ સુધારો જોવા મળતો નથી, આવો સત્સંગ કરવાથી કોઇ ફાયદો થતો નથી. બહારનો સત્સંગ ત્યારે જ સાર્થક થઈ શકશે જ્યારે જીવન વિશુદ્ધ બનશે આ માટે ભક્તિમાં, સત્સંગમાં સાતત્ય જરૂરી છે.

મનના ભાવો, વિચારો, ચિંતન અને મનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે. માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ. આપણે જેના પણ સંપર્કમાં આવીએ ત્યારે દરેક વ્યક્તિમાં પ્રભુદર્શન કરીએ.

આમ કરવાથી તે વ્યક્તિ સાથેનો વ્યવહાર વધારે શુદ્ધ, સ્નેહમય બનશે.પ્રત્યેક વ્યક્તિને પરમાત્માનું સ્વરૂપ માનવાથી આપણે દરેકની સાથે છળકપટથી રહિત, નીતિ તેમજ ન્યાયયુક્ત વ્યવહાર કરી શકીશું. સૌમાં ઈશ્વર છે અથવા તો સૌ કોઈ ઈશ્વરમય છે એવી સમજ આ૫ણા વ્યવહારને મંગલમય બનાવે છે.

નાવ પાણીમાં રહે તેનો વાંધો નથી પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે,  તેવી જ રીતે આ૫ણે સંસારમાં રહીએ પરંતુ આ૫ણામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. સંસારની આસક્તિ, મમતા, અહંતા અને રાગ-દ્વેષની વૃત્તિએ માણસના મનમાં ઘર કર્યું છે. સંસારની પ્રવૃત્તિઓમાં માણસ ગળાબૂડ ડૂબી ગયો છે અને માનવજીવનના મુખ્ય ઉદ્દેશ્યને ભૂલી ગયો છે તેને સ્વરૂપ જ્ઞાનથી આત્માભિમુખ કરવાનો છે. હેમલતાબેન સોનેરા, ઓઢવ,અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.