Western Times News

Gujarati News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની લીધી મુલાકાત

“હું તમારો અનન્ય સાથી છું, તમારી પડખે રહીં કામ કરવા માગું છું”- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

……..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે
બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:

 ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા દેશને મોટી તાકાત આપી શકે તેનું પ્રત્યક્ષ પ્રમાણ બનાસ ડેરી છે
 નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું, તેમની જવાબદારી માથે લેવાનું કામ આ સરકારે કર્યું
 બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે
 લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે.

……..

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ ૭૫ તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રીશ્રી

……..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

 ઉત્તર ગુજરાતના પશુપાલકો- દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ
 આજની દૂધ સહકાર ચળવળની સફળતામાં સરદાર પટેલના દ્રષ્ટિવંત આયોજનની છાપ દેખાય છે.
 વડાપ્રધાનશ્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવા સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાનો કરેલો સંકલ્પ સાકાર
કરવા બનાસ ડેરી પથદર્શક બનશે

……..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, દેશમાં કો-ઓપરેટિવ મુવમેન્ટથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી
રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુછે.
તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતા નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું કામ સરકારે કર્યુ છે.

આવા ખેડૂતોને વર્ષમાં ૩ વાર બે-બે હજાર રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં ભારત સરકાર આપે છે તેની પણ
પ્રધાનમંત્રીશ્રીએ વિગતો આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસ ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો- પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, “હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું.”

વડાપ્રધાનશ્રીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી, વિવિધ
પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી. આ તકે વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી લોકોની તકદીર બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, મગફળી અને સરસવમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા જોડી છે. બનાસ ડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે, પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, બનાસકાંઠાના લોકો જેને સમજી-સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની
અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે. પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ ૭૫ તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ-જનકલ્યાણ માટેના અનેક માર્ગ હોય છે. સીમાદર્શન, રણોત્સવ, જેવા પ્રકલ્પોથી ટુરિઝમ
ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે, ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની આધુનિક સુવિધાઓ અને તેનાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂપિયા 600 કરોડના ખર્ચે નવનિર્મિત ડેરી સંકુલ અને બટાટા
પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ નવું તૈયાર કરવા આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30
લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6
ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાટા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાટાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાટાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે.

આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરેવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કર્યુ છે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે. વડાપ્રધાનશ્રીએ પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરી છે.

એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બનાસકાંઠાની પશુપાલક માતા-બહેનોએ વડાપ્રધાનશ્રીના ઓવારણા લઇ તેમને આશીર્વાદ આપ્યા હતા. વડાપ્રધાનશ્રીએ માતૃશક્તિના આ આશીર્વાદ તેમને નવું બળ પુરૂં પાડશે તેમ ભાવવિભોર થતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તર ગુજરાતના પશુપાલકો- દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત સહકારી ક્ષેત્રના પ્રભાવનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના દ્રષ્ટિવંત આયોજનની છાપ આજની દૂધ સહકાર ચળવળમાં દેખાય છે.

આપણા વડાપ્રધાનશ્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવા સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાનો કરેલો સંકલ્પ સાકાર કરવા બનાસ ડેરી પણ પથદર્શક બનશે. બનાસકાંઠા જિલ્લો બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ બટાટા ઉત્પાદનોને મૂલ્ય વૃદ્ધિ સાથે વૈશ્વિક બજાર ઉપલબ્ધ કરશે. સાથે સાથે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓની દૂધ સહકારી મંડળીઓ માં ભાગીદારનું પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરશે, એમ તેમણે ઉમર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે બનાસ ડેરીમાં આજે કાર્યાન્વિત પ્રકલ્પો ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો – ખેડૂતોના જીવનમાં નવી દિશા આપશે.

આપણા વડાપ્રધાનશ્રીએ દરેક ગામમાં ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કરેલા આહવાનને ગુજરાત સાકાર કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો પણ એ દિશામાં અગ્રેસર છે. સાથે સાથે ધરતી માતાનું સ્વાસ્થ જાળવવાની સાથે સાથે ગૌ-પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો.
પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સુકા ભઠ્ઠ ગણાતા વિસ્તારમાં દૂઘ ઉત્પાદક મહિલાઓએ દૂધ ઉત્પાદનના નવા આયામ પ્રસ્થાપિત કર્યા છે. બનાસ ડેરીએ પણ તેમાં મૂલ્યવર્ધન કરીને દૂઘ ઉત્પાદકોની મહેનતને રંગ આપ્યો છે. સાથે ડેરીએ શરૂ કરેલા બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટને પણ પ્રેરણાદાયી ગણાવ્યો હતો.

બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડેરીની સભાસદ મહિલાઓએ ગામે–ગામ ફરીને લોકોને કાર્યક્રમમાં આવવા નિમંત્રણ આપ્યું છે. આપણા વડાપ્રધાનશ્રી જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે તેમણે એક નવો વિચાર આપ્યો છે. પાણીની સમસ્યાને ધ્યાને લઇને સ્પિંકલર-ડ્રીમ ઇરિગેશનનો વિચાર આપ્યો અને આજે બનાસકાંઠા જિલ્લો આ બાબતે અગ્રેસર છે. આજ રીતે મધ ઉછેર, ગોબર ગેસ પ્લાન્ટ જેવી બાબતો પણ વડાપ્રધાનશ્રીના સૂચનો ડેરીએ સાકાર કર્યા છે. આગામી સમયમાં ‘આટા’નું ઉત્પાદન કરવા જઇ રહ્યા છીએ. સાથે-સાથે ‘વ્હે’માંથી પ્રોટીન અલગ કરીને પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. પ્રોટીન બટર મિલ્ક-પ્રોટીન લસ્સીનું માતબર વેચાણ થઇ રહ્યું છે.

સાથે-સાથે ઓર્ગેનિક ખેત ઉત્પાદન તરફ આગળ વધવા કટિબદ્ધ છીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાધેલા, સાંસદ સર્વે શ્રી પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, કલેક્ટર શ્રી આનંદ પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, જી.એમ.એફ.સીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, સ્ટેટ કો.ઓપરેટિંગ બેંકના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ તેમજ બનાસડેરીના સભાસદ સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.