Western Times News

Gujarati News

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમાની ફરતે આવેલી રેલીંગમાં ST બસ ઘૂસી

બસનો આગળનો કાચ અને રેલિંગને નુકસાનઃ સવારે ઘટના બની હોવાથી મોટો અકસ્માત ટળ્યો

નડિયાદ, નડિયાદમાંથી પસાર થતી થરાદથી વડોદરાની એસટી બસના ડ્રાયવરે કાબૂ ગુમાવતા એસટી બસ સરદાર પટેલ ભવનની સામે આવેલ ગાંધીજીના સર્કલ પાસે રેલિંગમાં અથડાઈ હતી. જેમાં રેલિંગ અને દાદરને નુકસાન થયું હતું. જ્યારે ગાડીના આગળનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાને કારણે જાનહાનિ ટળી હતી. જાે આ ઘટના બપોરના કે સાંજના સમયે બની હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.

જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલ ગાંધીજીની પ્રતિમા પાસેથી ગુરૂવારે વહેલી સવારે પસાર થઈ રહેલી થરાદથી વડોદરા તરફ જતી એક્સપ્રેસ એસટી બસ આ પ્રતિમાના ફરતે આવેલી રેલિંગોમાં ઘૂસી ગઈ હતી. મિશન ઓવરબ્રિજના સરદાર ભવન તરફના ઉતરવાના છેડા તરફથી આવેલી બેકાબૂ એસટી બસ અહીંયા એકાએક ઘૂસી ગઈ હતી.

બનાવમાં ગાંધીજીની પ્રતિમાને કોઈ નુકસાન થયું નહોતું. પરંતુ પ્રતિમાના ફરતે આવેલી રેલિંગો તથા લોખંડની સીડીનો કચ્ચરધાણ વળી ગયો હતો. આ ઉપરાંત એસી બસના આગવના કાચ પણ સંપૂર્ણ તૂટી ગયો હતો અને બસના આગળના ભાગે નુકસાન પણ થયું હતું. આ દુર્ઘટનામાં એસટી બસના ચાલક સહિત મુસાફરોને અહીંયાથી રવાના કરાયા હતા.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧માં પ્રતિકાત્મક નીકળેલી દાંડીયાત્રા સમયે જ આ પ્રતિમાના ફરતે તાત્કાલિક ધોરણે રીનોવેશન કરાયું હતું. આ સમયે મુખ્યમંત્રી આવવાના હોવાથી યુદ્ધના ધોરણે આ પ્રતિમા પાસે રંગરોગાન કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ આ પ્રતિમા પાસે વાહનો અથડાવવાના બનાવો બન્યા છે.

અકસ્માત બાદ પાલિકા તંત્ર નિરસતા દાખવે છે. અને લાંબા સમય બાદ કોઈ નેતા આવવાના હોય ત્યારે અથવા તો ગાંધી જયંતિએ પ્રતિમાએ રંગરોગાન કરવાનો વિચાર આવે છે. ત્યારે જાેવું રહ્યું કે આ દુર્ઘટના બાદ કેટલા દિવસોમાં પાલિકા તંત્ર પ્રતિમા ફરતે નવી રેલિંગ નાખશે ખરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.