Western Times News

Gujarati News

જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક કન્સલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઇ.

ગોધરા,કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓને આવરી લેવા માટે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ૨૪ એપ્રિલ થી ૧ મે સુધી વિશેષ અભિયાન  ચલાવવામાં આવશે. જિલ્લા સેવા સદન ગોધરા ખાતે કલેકટર  સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં લીડ બેંક મેનેજર, નાબાર્ડના અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂત લાભાર્થીઓ માટે ઉપકારક હોવાથી જિલ્લા કલેકટર એ સંબંધિત અધિકારીઓને આ વિષય અંગે ખેડૂતોમાં જાગૃતતા ફેલાવવા અંગે સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પી.એમ કિસાન યોજનાના ૨.૨૫ લાખ થી વધુ લાભાર્થીઓ છે તે પૈકી ૫૧,૫૬૮ ખેડૂતો કેસીસીનો લાભ લઇ રહ્યા છે ત્યારે બાકી રહી ગયેલા લાભાર્થીઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ આપવાની દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેક્ટરે વિગતવાર ચર્ચા કરી હતી. જિલ્લા કલેકટર એ અભિયાન દરમિયાન મહત્તમ લાભાર્થીઓની નોંધણી કરાવવા બેંક સખી તેમજ ક્ષેત્રીય

કર્મચારીઓ પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ સાથે મળીને સહિયારો પ્રયાસ કરે તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ જિલ્લાના ખેડૂતોને આ અભિયાન વિશે ૨૪ એપ્રિલના રોજ યોજાનાર વિશેષ ગ્રામ સભામાં સહભાગી થવા અને કેસીસીનો લાભ ઉઠાવવા જાહેર અપીલ કરી હતી. અભિયાન અંતર્ગત જિલ્લાની બેંકોની ૧૨૦ જેટલી ગ્રામીણ અને સેમી અર્બન શાખાઓને પી.એમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી મોકલી દેવાઇ છે. બેન્કો દ્વારા ગામડાઓમાં ખાસ કેમ્પ નું આયોજન પણ કરવામાં આવશે. જે ખેડૂતો પાસે Kisaan Credit Card નથી તેઓ KCC ફોર્મ ભરીને સંબંધિત બેંક ખાતામાં પહોંચાડી શકે છે

આ બેઠકમાં લીડ બેંકના મેનેજર યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની KCC (કિસાન ક્રેડીટ કાર્ડ) ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. KCCની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે. તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દીવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે.

તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ માટે વ્યાજદર ૭ ટકા રહેશે. (કુલ પાક ધિરાણ રૂા.૩ લાખ સુધી માટે) જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) દ્વારા ભરપાઇ કરવામાં આવશે. જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.

KCCનો લાભ ૭-૧૨ ની કોપી અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને ત્વરીત આપવામાં આવશે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ KCCનો લાભ લઇ રહ્યાં છે, તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની બ્રાન્ચનો સંપર્ક કરી શકશે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરથી મળશે.

KCCની કામગીરી માટે ગામના તલાટી મંત્રી, દુધ મંડળીના સેક્રેટરી, બેન્કમિત્ર, બેન્ક સખી મંડળ  પાસેથી પણ  વધુ માર્ગદર્શન મેળવી શકાશે અને ફોર્મ ભરી શકશે. તા.૨૪ મી એપ્રિલ થી તા.૧ લી મે,૨૦૨૨ સુધીના અભિયાનમાં સમાજિક સુરક્ષા PMSBY/PMJJBY/APY/PMJDY અંતર્ગત તમામ યોગ્ય લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવાશે તેમજ તા. ૨૪ મી એપ્રિલ,૨૦૨૨ ને રવિવારના રોજ  સાજે ૫:૦૦ કલાકે તમામ ગામોમાં ગ્રામસભા યોજાશે જેને દેશના વડાપ્રધાન સંબોધિત કરશે તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું.

 તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.