Western Times News

Gujarati News

તુલસીધામ શાકમાર્કેટ ન ખસેડવા બાબતે વેપારીઓની ભરૂચ કલેકટરને રજૂઆત.                  

નવી જગ્યાએ ધંધાને અસર થતાં આર્થિક નુકસાન અંગે રજૂઆત : શાકમાર્કેટ માટે ફાળવેલી જગ્યાની આસપાસના રહીશોનો પણ વિરોધ કરી માર્કેટ અહીં શરૂ નહીં કરવા માંગ.                

(વિરલ રાણા) ભરૂચ,ઝાડેશ્વર રોડ પરના તુલસીધામ શાકમાર્કેટ હટાવવા બાબતે તંત્રની કવાયત ચાલુ છે.ત્યારે અહીંના ફળફળાદી અને શાક પથારાવાળા અને લારીઓવાળાઓએ કલેકટરને રજુઆત કરી આ જ સ્થળે માર્કેટ ચાલુ રાખવાની માંગ કરી છે.તો બીજી બાજુ શાકમાર્કેટ માટે ફાળવવામાં આવેલ વૈકલ્પિક જગ્યાની આસપાસની સોસાયટીના રહીશોએ પણ કલેકટરને રજૂઆત કરી અહીં શાકમાર્કેટ ચાલુ નહીં કરવાની રજૂઆત કરી છે.

તુલસીધામ શાકમાર્કેટને ટ્રાફિકની સમસ્યાના કારણે અહીંથી સ્થળાંતર કરી અન્યત્ર આજ રોડ પર આગળના ભાગે જગ્યા ફાળવી આપવા તંત્રએ કવાયત હાથધરી વેપારીઓને નોટિસ પાઠવી છે.ત્યારે તે સામે અહી ધંધો રોજગાર કરતા આશરે ૬૦૦ શાકભાજીના પથારાવાળા તેમજ લારીઓવાળાઓએ તે સામે જીલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉમટી પડી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.જેમાં જણાવ્યું છે કે અંદાજીત ૨૫ વર્ષ થી અહી શાકભાજી,ફળફળાદી વેચાણ કરી પરિવારનું ગુજરાન કરીએ છીએ.હાલમાં અહીથી ખસી જવા તાકીદ કરવામાં આવી છે.

અમો તુલસીધામ ખાતે શાકભાજી,  ફળ વેચી અમારા પરિવારનું જીવન ગુજારિએ છીએ.જે પણ પથારાવાળાઓ અત્રે બેસે છે તે ટ્રાફિકને બિલકુલ નડતરરૂપ નથી અને તેના બહાને કનડગત કરવામાં આવી રહી છે જે અન્યાયપૂર્ણ છે અને કિન્નાખોરી ભરેલું છે.શાકભાજી,ફળફળાદીની ખરીદી માટે સવારે અને સાંજે ઝાડેશ્વર તેમજ જ્યોતિનગર અને તેની આસપાસની અંદાજીત ૪૦૦ થી વધુ સોસાયટીઓના ગરીબ,મધ્યમ,માલદાર વર્ગના પરિવારો નોકરીયાતથી માંડી સામાન્ય જન શાકભાજી, ફળફળાદી ખરીદવા અત્રે આવે છે.

જે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે તેના કારણે ધંધા રોજગાર અને આર્થિક રીતે ઘણું નુકશાન વેઠવું પડે તેમ છે. વળી આ કામચલાઉ જગ્યામાં અમોએ કોઈ કાયમી રીતે જગ્યા પચાવી પાડી નથી કે એવું કોઈ કાયમી બાંધકામ પણ કર્યું નથી.જેથી કોઈ ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવતી નથી.આ શાકભાજી,ફળફળાદી કામચલાઉ માર્કેટમાં સૌથી વધુ પથારાવાળાઓંમાં ભરૂચ,શુકલતીર્થ,મંગલેશ્વર અને નિકોરા,નવા – જુના તવરા,બોરભાઠા બેટ,મકતમપુર વિગેરે ગામો માંથી ખેતરો માંથી લાવીને પથારા કરીને ધંધો રોજગાર કરે છે.

તેમાં સૌથી ૫૦ ટકાથી વધુ વિધવા મહિલાઓ પોતાના પરિવારો છોકરાઓનો ભણતરનો ખર્ચ તેમજ આજીવિકા થકી ગુજરાન ચાલાવે છે.સવારે સ્થાનિક ભરૂચ અને તેની આસપાસના નજીકના પથારાવાળાઓ બેસે છે.જે નવી જગ્યા ફાળવી છે તે જગ્યા પર ૧૫૦ જેટલા જ લોકો ધંધો રોજગાર કરી શકે તેમ છે.જ્યારે અન્ય માટે કોઈ વ્યવસ્થા નથી.આવેદનપત્રમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આ આંતરિક રસ્તા કરતા ભરૂચ મકતમપુર – ઝાડેશ્વર જાહેર માર્ગ ની આસપાસમાં જે વર્ષો જૂની વાહન પાર્કિંગ , લારીઓ વિગેરની કાયમી ટ્રાફિક સમસ્યા છે તે અંગે કોઈ ઉચિત પગલા લેવામાં આવતા નથી જ્યારે આ તુલસીધામના આંતરિક રસ્તાની આસપાસમાં ટ્રાફિક સમસ્યાનો તદ્દન વાહિયાત પ્રશ્ન ઉભો કરીને કામચલાઉ પથારાવાળાઓને કનડગત કરવામાં આવે છે.

આ કામચલાઉ શાકભાજી માર્કેટ બધી રીતે સવલતવાળું,આશીર્વાદરૂપ હોય તેથી અહી થી શાક માર્કેટ નહિ ખસેડવા અંગે રજૂઆત કરવામાં આવી છે.બીજી બાજુ તુલસીધામ શાકમાર્કેટના પથારાવાળા લારીઓવાળા માટે ફાળવવામાં આવેલ નવી જગ્યાની આસપાસ ની વિવિધ સોસાયટીઓના રહીશોએ પણ આ સ્થળે શાકમાર્કેટ શરૂ કરવા સામે વિરોધ વ્યક્ત કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

સોસાયટીના રહીશોએ અહી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે તેમ જણાવી આ વિસ્તારમાં અનેક સ્કૂલ,કોલેજ આવેલ હોવાથી વિદ્યાર્થીઓને પણ અકસ્માતનો ડર રહેશે.તે ઉપરાંત અહીં ગંદકીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે તેથી અહીં શાકમાર્કેટ લાવવાના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે. તુલસીધામ શાકમાર્કેટના વેપારીઓ અને સ્થાનિક સોસાયટીના રહીશોની રજૂઆત બાદ તંત્ર માટે હાલનો નિર્ણય લાગુ કરવો મુશ્કેલ બની રહ્યો છે.ત્યારે આ મુદ્દે શું નિર્ણય કરવામાં આવે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.