Western Times News

Gujarati News

ચીલઝડપના ગુના આચરતી ભાતુ ટુકડી પોલીસ સકંજામાં

અમદાવાદ : ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજય બહાર મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજયોમાં ચીલઝડપના ગંભીર ગુનાઓ આચરતી આંતરરાજય ભાતુ ગેંગને રાજકોટ ક્રાઇમબ્રાંચે સંકજામાં લઇ લીધી છે. પોલીસે ભાતુ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરીને જુદા જુદા ૨૩થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સાથે સાથે આરોપી પાસેથી રૂ.બે લાખથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસે હવે ભાતુ ગેંગના આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ પોલીસ દ્વારા ભાતુ ગેંગના પકડાયેલા આરોપીઓમાં અમિત પ્રદીપકુમાર ભાતુ , શ્રવણ ઉર્ફે ઘોટા ભાતુ, અખિલેશ સુખારામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ જ્યોતીપ્રસાદ ભાતુનો સમાવેશ થાય છે. આ શખ્સો પર ચીલઝડપના ગુનાને અંજામ આપવાનો આરોપ છે.

ગત તા.૨૪ સપ્ટેમ્બરના રોજ રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક વૃધ્ધ મહિલાના હાથમાંથી થેલો ઝુંટવી આશરે દોઢ લાખની ચીલઝડપનો બનાવ બન્યો હતો જે બાદ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને તેના બીજા દિવસે ગોધરા ખાતે રૂ.૫૦ હજારની ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો

જે સીસીટીવી ફૂટેજ તપાસતા ભાતુ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમબ્રાંચે બહુ સિફતતાપૂર્વક ભાતુ ગેંગના પાંચ આરોપીઓને ઝડપી લઇ તેમની પર સકંજા કસ્યો છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ, ભાતુ ગેંગના તમામ સભ્યો મૂળ ઉતરપ્રદેશના વતની છે અને તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ સહિતનારાજ્યોમાં ચીલઝડપના ગુનાને અંજામ આપી રહ્યા છે.

આરોપીઓ ગુનાને અંજામ આપતાં પહેલા જે તે શહેરમાં નજીક માં આવેલ કોઈ પણ દેવસ્થાન ખાતે રોકાતા હતા અને બાદમાં બે મોટરસાઈકલ લઇ ગુનાને અંજામ આપતા હતા.  આરોપીઓ ચીલઝડપ કરતી સમયે માથા પર હેલ્મેટ પહેરતા હતા જેથી કરી તેમના ચહેરાની ઓળખ કોઈ પણ જગ્યા પર રહેલા સીસીટીવી કેમેરામાં ના થઇ શકે.

આરોપીઓ રાજકોટમાં ગુનાને અંજામ આપતા સમયે ચોટીલા ખાતે રોકાણ કર્યું હતું, જયારે વડોદરામાં ગુનો કરતા સમયે પાવાગઢ ખાતે રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાતુ ગેંગના આરોપીઓએ ગુજરાતમાં રાજકોટ , પોરબંદર, વડોદરા, મોરબી , જામનગર અને ગોધરા સહિતના સ્થળોએ તો, ગુજરાત બહાર મહારાષ્ટ્ર અને પંજાબના ૨૩ જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની હકીકત સામે આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.