Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ બહેનોએ બનાવેલું ભોજન જનસમૂહની સાથે બેસીને જમવાનો લ્હાવો લીધો

રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા

પાટણ જિલ્લાના જુદા-જુદા સમુદાયોની સામાન્ય પરિવારોની માતાબહેનોએ હેતપૂર્વક બનાવેલું ભોજન જનસમૂહની સાથે બેસીને જમવાનો લ્હાવો લીધો. ગુજરાત ગૌરવ દિવસના અવસરે શરુ થયેલ ‘સમરસતા ભોજન’ની આ પરંપરા સમગ્ર ગુજરાતમાં પારસ્પરિક સ્નેહના રસને વધુ પ્રચુર બનાવશે તેવી મારી લાગણી છે. તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૧લી મે ગુજરાત ગૌરવ દિન ૨૦૨૨ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ ઇન્ડેકસ્ટ-સી ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ ના સહયોગથી પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલા હસ્તકલા હાટને ખુલ્લું મૂક્યું હતું.

તેમણે ‘વોકલ ફોર લોકલ’ ની થીમ પર યોજાયેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત અનેકવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લઈ, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, સુશોભનની વસ્તુઓ, માટીકામ – જવેલરી અને વાંસની બનેલી વસ્તુઓને નિહાળવા ખાસ્સો રસ દાખવ્યો હતો.

પ્રદર્શન સહ વેચાણના કુલ ૭૬ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ૨૦ વર્ષનો સૌનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ – વંદે ગુજરાતની થીમ પર યોજાયેલા રાજ્ય સરકારની સિદ્ધિઓ આધારિત પ્રદર્શનને પણ રસપૂર્વક નિહાળ્યું હતુ. મુખ્યમંત્રીએ આ હસ્તકલા હાટમાં પાટણની વર્ષો જૂની પ્રખ્યાત મોરલી ટી સેન્ટરની ચાની મજા ઢોલિયા પર બેસીને માણી હતી.

તેમણે પાટણના પ્રખ્યાત દેવડાનો પણ સ્વાદ માણ્યો હતો અને પાટણની રેવડી ચાખી હતી. એક કોમન મેનની જેમ મુખ્યમંત્રીએ સખી મંડળની બહેનોના આગ્રહથી ફોટોસેશન પણ કર્યું હતું અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

હસ્તકલા હાટમાં મુખ્યમંત્રીએ પાટણના પ્રખ્યાત પટોળા, કચ્છના ભરતકામ, મશરૂ વણાટની સાલ, હેન્ડલુમ પર ખરડ વિવિંગ ‘હાથ વણાટ ના ભરતકામ જેવા સ્ટોલની મુલાકાત લઈ સખી મંડળની કારીગર બહેનો સાથે કોમન મેનની જેમ સંવાદ કર્યો હતો. અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીએ હસ્તકલા હાટમાં ગુજરાત તને વંદન” થીમ આધારિત ચાર મિનિટની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. આ અવસરે તેમની સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા જિલ્લાના મહાનુભાવો અને પદાધિકારીઓ અને પાટણ, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.